ગાંધીધામમાં 1.20 કરોડની લૂંટ મચાવનાર આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા
copy image
શહેરનાં 400 કવાર્ટર વિસ્તારમાં 1.20 કરોડની લૂંટના ગુનામાં પકડાયેલા પાંચ પૈકી એક શખ્સના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. શહેરનાં 400 કવાર્ટર, એસ.એફ.એક્સ વિસ્તારના મકાન નંબર 79માં ગત તા. 18-7ના બપોરના અરસામાં લૂંટનો આ બનાવ બન્યો હતો. જે બાબતે રેખાબેન વાસુદેવ મૂલચંદાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના ઘરમાં ઘૂસેલા શખ્સોએ હમ સીબીઆઇ પોલીસ હૈં, રેઇડ ડાલને આયે હૈં તેમ કહી રોકડ રૂા. 1,20,00,000 તથા એઁક મોબાઇલની લૂંટ કરી થાર ગાડીમાં સવાર થઇને નાસી છૂટયા હતા. આ બાબતે પોલીસે વધુ તપાસ કરી પ્રશાંત રાજેશ દ્રવિડ, અફઝાનખાન સિંધી, અબ્દુલભાઇ, શાહબાન ખલીફા તથા તબરેજ આલમની ધરપકડ કરી હતી.
આ ઈશમોને બે દિવસના રિમાન્ડ દરમ્યાન અમૂક મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ હતો. જે-તે વખતે પોલીસે જારી કરેલી પ્રેસ યાદીમાં સિકંદર નામના શખ્સ પાસેથી ગાડી મેળવાઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તે દરમ્યાન પકડાયેલા આરોપીઓ પૈકી શાહબાન લતીફ ખલીફા નામના શખ્સે જામીન ઉપર મુક્ત થવા અહીંની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ન્યાયાધીશ એ.એમ. મેનને બંને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આ શખ્સના જામીન નામંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષીએ પી. ગઢવી હાજર રહી દલીલો કરવામાં આવી હતી.