આદિપુરમાં ચાલતી શિવકથામાં પાંચ મહિલાની નજર ચૂકવી ચેઈન સેરવી લેવાઈ જતાં પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
આદિપુર ખાતે ચાલતી પંચમુખી હનુમાન મંદિર નજીક શિવકથામાંથી પરત જતી વેળાએ પાંચ મહિલાઓના ગળામાંથી કોઈ અજાણી મહિલાઓએ ચેઈન સેરવી લેધેલ હોવાની વિધિવત ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ચોરીના આ બનાવ બાબતે રૂા. 75,000ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આદિપુરના કેસરગર-બે વિસ્તારમાં રહેનાર શાંતિબેન અરજણ પ્રજાપતિ અને રાધિકાબેન, કાંતાબેન, આશાબેન ગત તા. 7/8ના પંચમુખી હનુમાન મંદિર પાસે ચાલતી શિવકથામાં ગયા હતા. જ્યાં સાંજે છ વાગ્યાના અરસામાં કથા પૂર્ણ થતાં ફરિયાદી શાંતિબેન અને અન્યો ઘરે જવા માટે મંડપના ગેટમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે આ વૃદ્ધાને પાછળથી ધક્કો લાગતાં તે આગળ જતાં અન્ય એક મહિલા સાથે ભટકાતાં તેમને ચક્કર આવી ગયેલ હતા અને વૃદ્ધા બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસી ગયેલ હતા. થોડીવારમાં તેમણે પોતાની રૂા. 75,000 ની સોનાની ચેઈન જોતાં તે ગુમ જણાઈ હતી. ફરિયાદી તથા તેમની સાથે આવેલ અન્ય મહિલાઓ દ્વારા મંડપના સ્ટેજ પાસે જઈ આ ચેઈન અંગે માઈકમાં જાહેરાત કરવામાં આવી હતી. થોડીવારમાં જ સ્ટેજ ઉપર મહાલક્ષ્મીબેન, જમનાબેન, સમજુબા અને હીરીબેન પણ ત્યાં આવી પહોંચેલ હતા અને પોતાની નજર ચૂકવીને કોઈએ તેમની સોનાની ચેઈનની ચોરી કરી હોવાની વાત કરેલ હતી જે બાબતે પણ માઈક પરથી જાહેરાત કરવામાં આવેલ હતી. પાંચ મહિલાઓની ચેઈનની ચોરી બાબતે પોલીસે ગત દિવસે રાત્રે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.