નખત્રાણા ખાતે આવેલ વિગોડીની પવનચક્કીના વાયરની તસ્કરી કરવા આવેલી રાજસ્થાની ગેંગના બે આરોપીઓ ઝડપાયા

hathkadi

copy image

નખત્રાણા ખાતે આવેલ વિગોડી ગામે પવનચક્કીના વાયરની તસ્કરી કરવા માટે આવેલી રાજસ્થાનના સાંચોરની ગેંગના બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ત્રણ શખ્શ નાસી છૂટયા હતા. આ અંગે નખત્રાણા પોલીસ મથકે સિક્યુરિટી ગાર્ડ અલીભાઈ ફકીરમામદ કુંભાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.

નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 7/8ના તેઓ પવનચક્કી લોકેશન નંબર 115માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા,  તે દરમીયાન આરોપીઓ બોલેરો ગાડીમાં આવ્યા અને ફરિયાદીને માર મારી ખભા પર ધારિયું મૂકી મારી નાખવાની ધમકી આપ્યા બાદ યાર્ડનો દરવાજો ખોલીને પવનચક્કીના 150 મીટર વાયર કિં. રૂા. 45 હજારની તસ્કરી કરી ધાડ પાડી નાસી છૂટેલ હતા. ઉપરાંત આ બનાવની અન્ય  વિગતો અનુસાર આરોપીઓ ધાડ પાડી ભાગ્યા હોવાની જાણ નખત્રાણા પોલીસને થતાં વિગોડી ગામમાં યુવાનોને જાણ કરાઈ હતી. આરોપીઓ ગામમાં આવતા યુવાનોએ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ઝપાઝપી કરીને નાસી જતાં યુવાનોએ રવાપર માર્ગે આરોપીઓનો પીછો કર્યો ત્યાં હરિપર પાસે વોચમાં રહેલી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી બોલેરો ગાડી નંબર જી.જે. 14 એક્સ 1857 તેમજ ધારિયું અને વાયર હસ્તગત કરી લેવામાં આવ્યા છે. યુવાનો સાથે ઝપાઝપી કરી હોય તેની અલગ ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ  છે.