ઝડપી તેમજ ઓછા પાણીમાં ઊગી જતું કોનોકાર્પસ વૃક્ષ વધુ હાનિકારક
copy image
ખૂબ જ ઓછા પાણીમાં અને ગમે તેવી જમીન પર ઓછા સમયમાં વધુ ઘટાદાર તેમજ ઊંચાઈ પકડી લેતા વિદેશી કોનોકાર્પસના વાવેતર કર્યા બાદ નુકસાનકારક પરિણામો સામે આવતા હોય છે. ઘર, બગીચા, કચેરી કે રોડની સાઈડોમાં આકર્ષક દેખાવ માટે આ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ ઝાડની આસપાસ ઊગેલા વૃક્ષો ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા સાવ ગુમાવી દે છે. આ વૃક્ષ અન્ય વનસ્પતિઓની વૃદ્ધિને નકારામત્મ્ક અસર કરે છે. આ પ્રકારના વૃક્ષને કોઈ પણ પ્રાણી ખાતા નથી કે તેના પર પંખી માળો પણ બનાવતા નથી. પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષારોપણના નામે વગર માવજતે જલદી લીલું દેખાડવા મોટા ઉદ્યોગો, ફેક્ટરીઓ, કારખાનાઓ, કંપનીઓ, વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આ વૃક્ષોનું વાવેતર કચ્છમાં કરવામાં આવ્યું છે. આ ઝાડ ખૂબ ઝડપથી ભૂગર્ભ જળ ખલાસ કરી નાખે છે. વર્ષમાં બે વાર પરાગનયન થાય છે જેને પરીણામે ઘણાને એલર્જી, અસ્થમા, ખાંસી અને ઉધરસની તકલીફ થઈ શકે છે.
કચ્છ કે જ્યાં અડધું વર્ષ પાણીની અછત રહેતી હોય ત્યાં સમજ્યા-વિચાર્યા વગર લોકો આ ઝાડ પર મોહી રહ્યા છે. ત્યારે કોનોકાર્પસ વિશે વધુ માહિતી આપતા વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓના જાણકાર એવા અંજારના શિક્ષક તરુણકુમાર શાહે જણાવ્યુ હતું કે, આ વૃક્ષ એ ગલ્ફ દેશોમાં જોવા મળે છે. આ દેશોમાં આ વૃક્ષો વાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વૃક્ષને સદા હરિત જોઈ પાકિસ્તાનમાં વધુ પડતા પ્રમાણમાં આ વૃક્ષોનું વાવેતર આડેધડ રીતે દેવામાં આવ્યું હતું. હવે આ વૃક્ષોની ઘણીબધી નકારાત્મક અસરોને જોતાં પાકિસ્તાનમાં પણ તેના વાવેતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર શોભા માટે જ વાવવું હોય તો આસોપાલવનું વૃક્ષ સૌથી સારો ઉપાય હોવાનું જણાવ્યુ હતું, જે સતત 12 કલાક સુધી ઓક્સિજન આપે છે. આ વૃક્ષથી થતા નુકસાન સામે કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ આગળ આવી છે અને આ વૃક્ષને ઉખેડી ફેંકવા તથા વાવેતર ન થાય તે માટે અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.