પ્રયાસનિધિ કંપનીમાં રોકાણ કરાવી રૂપિયા 33.54 લાખની છેતરપિંડી થયાની ફરિયાદી મુંદરા પોલીસ મથકે નોંધાઈ

છેલ્લા દશથી બાર માસથી ચર્ચાના ચગડોળે ચડેલી આ કંપની વિરુદ્ધ અંતે વિધિવત ફરિયાદ નોંધાતા બચત કરનારાઓને ન્યાય મળવાની આશ બંધાઈ છે. આ અંગે મૂળ પોરબંદરના અને  હાલે મુંદરા રહેતા કારાભાઈ રાણાભાઈ ભોગેસરા (મેર)એ તેમની સાથે થયેલી છેતરપિંડી અંગે એલ.સી.બીને મે માસમાં અરજી કરી હતી અને આ અરજીના આધારે તેમણે મુંદરા પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં તેમની સાથે કામ કરતા અને તેના મિત્ર અજયકુમાર પૈયકરાય (હાલ મુંદરા મૂળ ઓડિસા)એ જણાવ્યું કે, હું પ્રયાસનિધિ પ્રાઈવેટ કંપનીમાં રોકાણ કરું છું, આ કંપની મુંદરા વિસ્તારમાં સસ્તા ભાવે જમીન લઈ તેના પર મકાનો બનાવી તેના વેચાણથી નફો મેળવે છે. આ કંપનીમાં રોકાણ કરવાથી બેન્ક કરતા વધુ વળતર આપીશ તેવી લાલચ આપી હતી તેના પર વિશ્વાસ રાખી વર્ષ-2016થી 2020 દરમ્યાન કુલ મળીને રૂપિયા 21,04,000 આપ્યા હતા. ફરિયાદમાં કારાભાઈએ લખાવ્યું છે, તેઓને અજયકુમારે જણાવ્યું હતું કે, તમને જ્યારે પૈસાની જરૂરત હોય ત્યારે અમને પંદર દિવસ પહેલાં જણાવજો આથી જાન્યુઆરી 2023માં ફરિયાદીએ દીકરીની સગાઈને લઈ 12 લાખની જરૂરિયાત જણાવતા તેઓએ 8 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ અપૂરતા નાણાંના લીધે પરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી અજયકુમાર વિવિધ બહાના આપતો હતો અને આજ  દિન સુધી નાણાં પરત આપ્યા જ  નથી. તે દરમ્યાન ફરિયાદીના મિત્ર અને સાથે કામ કરતા ગુરજીતસિંઘ ધર્મસિંઘ સૈનીના પણ રૂપિયા 10,50,000 અને દિલીપસિંહ નારણભાઈ ઝણકાટે રૂપિયા 2 લાખ લઈ લીધા બાદ પરત અપાયા નથી. આ અજયકુમાર અને પ્રયાસનિધિના વહીવટ કર્તાઓ તમેજ તેમના દ્વારા અન્ય નીમેલા એજન્ટો દ્વારા મુંદરા શહેર તથા તાલુકા વિસ્તારમાંથી વિવિધ ગ્રાહકો પાસેથી રકમો મેળવી અને તે નાણાં પરત ન આપી પ્રયાસનિધિ ઓફિસ બંધ કરી જતાં રહ્યાની વિગતો ફરિયાદના ચોપડે નોંધાઈ છે. નોંધનીય છે કે, આ ફરિયાદમાં માત્ર ત્રણ લોકોએ રોકેલા નાણાંની ફરિયાદ છે, પરંતુ આ અંગે ફોજદારી વિધિવત ફરિયાદ અંતે હવે દાખલ કરવામાં આવી છે. આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય અને લોકોને ન્યાય મળે તેવી લોકોમાં આશા  ઉભરાઇ  છે.