મુંદ્રામાં થયેલ ચોખાની 22 બોરીની તસ્કરીનો ભેદ મુંદ્રા પોલીસ અને એલસીબી ટીમે  ઉકેલ્યો

અમુક દિવસ અગાઉ મુંદરાના આશુતોષ સીએફએસની નજીક આવેલા સતલુજ હોટલના પાર્કિંગમાં રાખેલા ટ્રેઇલરમાંથી 22 ચોખાની બોરીની  તસ્કરી થઇ હતી,  જેનો ભેદ મુંદરા પોલીસ અને એલસીબીએ ઉકેલી લીધો હતો. આ બાબતે મળેલ માહિતી અનુસાર મુંદ્રા પોલીસ અને એલસીબીની ટીમ મુંદરાના શકિતનગર સર્કલ પાસે હાજર હતી તે દરમીયાન હે.કો. વાલાભાઇ ગોયલ તથા પ્રદ્યુમનસિંહ ગોહીલને સંયુકત ખાનગી રહે બાતમી મળી હતી કે, એક ઇસમ ચોરી કે છળકપટથી મેળવેલા ચોખાની બોરી સાથે સફેદ અર્ટીગા ગાડીમાં આવી રહ્યો છે. બાતમીવાળી ગાડીની તપાસ કરતા તેમાંથી બે બોરી ચોખાની મળી આવેલ હતી. કારચાલક મહેન્દ્ર જીયણલાલ ભાનુશાલીને ચોખાના આધાર-પુરાવા રજૂ કરવા જણાવતાં તે રજૂ કરી શક્યો ન હતો. આ બાદ મહેન્દ્રની સઘન પૂછ તાછ કરતા વધુ 20 ચોખાની બોરી તેના રહેણાંકના મકાનમાં હોવાનું સામે આવ્યું હતું કે, ચાર-પાંચ દિવસ પૂર્વે સતલુજ હોટલના પાર્કિંગના ટ્રેઇલરમાંથી તેણે આ ચોખાની તસ્કરી કરેલ હતી. પોલીસે આરોપી સાથે મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.