કચ્છમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાવવામાં આવેલ શ્રમયોગીઓને અકસ્માત વીમારૂપી કવચ પૂરું પાડવા અંગે વીમા માટેની કામગીરી શરૂ
કચ્છમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાવવામાં આવેલ શ્રમયોગીઓને અકસ્માત વીમારૂપી કવચ પૂરું પાડવા અંગે વીમા માટેની કામગીરી ચાલી રહી છે અને 22 દિવસમાં 6 હજાર શ્રમિકોએ વીમો ઉતરાવ્યો હોવાની વિગત સામે આવી છે. આ સંખ્યા 31 ઓગસ્ટ સુધીમાં 11 હજાર સુધી લઇ જવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. શ્રમિકોને અકસ્માત વીમાથી રક્ષિત કરવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક અને શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કચ્છ જીલ્લામાં આ યોજનાની તા.17-07-23થી અમલવારી શરૂ કરી દેવામાં આવેલ છે. ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાવામાં આવેલ કોઇપણ શ્રમિક નજીકની પોસ્ટ ઓફિસમાં વાર્ષિક પ્રીમિયમ ભરીને વીમો ઉતરાવી શકે છે. કચ્છ જીલ્લામાં તા.31-08-2023 સુધીમાં 11 હજાર શ્રમિકોને વીમાથી રક્ષિત કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જેની સામે તા.9-8 બુધવાર સુધીમાં 6 હજાર શ્રમિકોએ વીમા પોલિસી મેળવીને પ્રીમિયમ પેટે રૂ.25 લાખનું ભરણું કરી દીધેલ છે. કચ્છમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા હોય તેવા 3 લાખ શ્રમયોગીઓ છે અને 31 ઓગસ્ટ સુધી 11 હજાર શ્રમિકોને રક્ષિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે