મિલકતની તકરારના મામલે ધમકી અપાતા ભચાઉમાં 48 વર્ષીય આધેડે કર્યો આપઘાત : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

 

ભચાઉમાં ગત દિવસે એચ.આર. કોમ્પ્લેક્ષના ચોકીદાર 48 વર્ષીય પ્રવીણસિંહ બહાદુરસિંહ જાડેજાએ ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લેતા તેને મરવા મજબૂર કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. મળેલ માહિતી અનુસાર ગત દિવસે એચ.આર. કોમ્પ્લેક્ષમાં જ્યાં  પ્રવીણસિંહ ચોકીદાર કરતા હતા, ત્યાં લોખંડના સળિયા સાથે દોરી બાંધી પ્રવીણસિંહે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવમાં તેના ભાઇ દિલીપસિંહ દ્વારા ભચાઉ પોલીસ મથકે મરવા મજબૂર કર્યાની નોંધાવવામાં આવેલ છે.

નોંધાવેલી  ફરિયાદ અનુસાર એચ.આર. કોમ્પ્લેક્ષના માલિક હઠુભા રેવુભા જાડેજા અને તેના પુત્રો અશોકસિંહ તથા પરાક્રમસિંહ સાથે કૌટુંબિક મિલકત બાબતે તકરાર ચાલતી હતી. આ બાબતે પ્રવીણસિંહ ફરિયાદીને આઠેક દિવસ આગાઉ વાત કરી હતી કે, પરાક્રમસિંહ પ્રવીણસિંહને કહ્યું કે, અમારી મિલકત બાબત ઓળખાણ તરીકે તે સહી કરી આપી છે. આ સહી મારી નથી તેવી એફિડેવીટ કરી આપ. આ બાબતે વારંવાર ધમકી આપતા હતા. આથી પ્રવીણસિંહે નોકરી છોડી દીધી હતી, પરંતુ બે દિવસ પૂર્વે હઠુભા પ્રવીણાસિંહના ઘરે આવી કહ્યું કે, મારી પાસે કોઇ જવાબદાર વ્યકિત નથી, આથી તમે પાછા નોકરીએ આવી જાવ. મારો દીકરો પરાક્રમસિંહ તમને કંઇ નહીં કહે તેવું કહ્યું હતું. આથી તા. 8/8ના પ્રવીણસિંહ પાછા નોકરીએ ગયેલ હતા અને સાંજે પરાક્રમસિંહે પ્રવીણસિંહને ગાળા-ગાળ કરી ધમકી આપેલ હતી, તેવું ફરિયાદીને તેના ભાભી સુંદરબાએ જણાવી ઉમેર્યું કે, ઉપરાંત પરાક્રમસિંહના સસરા ભીખુભા વાઘેલા પણ વારંવાર દિલીપસિંહને આ સહી બાબતે એફિડેવીટ કરી આપવા ધમકી આપી રહ્યા હતા. આ અંગે પરાક્રમસિંહ અને ભીખુભા વિરુદ્ધ ભચાઉ પોલીસે ફરિયાદ નોધાઈ હતી. પોલીસ આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.