નખત્રાણા ખાતે આવેલ ચાવડકામાંથી 12 લાખનો દારૂ ઝડપાયો
નખત્રાણા ખાતે આવેલ ચાવડકા ગામમાં ઘરના ટાંકામાં રાખવામા આવેલ રૂા. 12,13,320ના વિદેશી દારૂની 270 પેટી સહિત 14,93,320નો મુદ્દામાલ ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબ્જે કર્યો હતો. ગુનેહગાર પોલીસની પકડથી દૂર હતો. અહી ઉલ્લેખનીય બાબત છે કે, 2013માં આ જ સ્થળેથી 108 પેટી દારૂ મળી આવ્યો હતો. ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે પડાયેલા દરોડામાં ચાવડકા ગામ ખાતે રહેતા જેઠુભા સંગજી જાડેજાના રહેણાકના મકાનની તપાસ કરવામાં આવેલ હતી. જે તપાસ દરમીયાન બનાવયેલા ટાંકામાં રખાયેલી 7452 બોટલ સહિતની દારૂની 270 પેટી મળી આવી હતી, જેની કિંમત 12,12,320 આંકવામાં આવેલ હતી, જ્યારે ઘર પાસે રહેલી બોલેરો જીપકારમાંથી શરાબના ખાલી બોક્સ મળી આવેલ હતા, તો આંગણામાં રખાયેલી બાઈકમાંથી પણ શરાબની કેટલીક બોટલો સામે આવી હતી.
આરોપી બુટલેગરને દરોડા બાબતે પૂર્વે જ માહિતી મળી જતાં તે નાસી છૂટયો હતો. પોલીસે દારૂનો જથ્થો, જીપકાર તથા બાઈક મળી કુલ રૂા. 14,93,320નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, આ દરમિયાન અમારા નખત્રાણા અને ગઢશીશાના પ્રતિનિધિ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ બાબતે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ગોવિંદભાઈ ઘંઘરે નખત્રણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બુટલેગર એવા આરોપીને શોધી કાઢવા સહિતની કાયદાકીય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ 2013માં તે જ સ્થળેથી 108 પેટી દારૂ ઝડપાયો હતો. તે સમયે હાલે નિવૃત્ત પીએસઆઈ સુખુભા નટુભા જાડેજાએ તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં વધતી જતી દારૂની બદીને અવગણાતી હોવાની લોકોની રાવ વચ્ચે નખત્રાણા તાલુકામાં પહેલીવાર ગાંધીનગરથી આવેલી ટીમે દરોડો પાડયો હતો.