૧૯૭૧ના યુધ્ધમાં ભારતને હરાવવાના સપના જોતા પાકિસ્તાનને માધાપરની એ..પરિણીતાઓએ રન-વે બનાવી ધુળ ચટાડી હતી
દેશની માટી માટે પોતાના માથાની પણ પરવા ન કરનાર સરહદી કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામની વીરાંગનાઓ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
૧૯૭૧નું ભારત-પાકિસ્તાનનું યુધ્ધ ચાલી રહ્યું હતું. પાકિસ્તાને બોમ્બમારો કરીને ભુજ ખાતેનો એરફોર્સના એરબેઝ પર હુમલો કરી રન-વે તોડી નાખતા ભારતીય વાયુસેનાના વિમાનો યુધ્ધ મેદાનમાં ઉતરવા માટે રન-વે પરથી ઉડી શકે તેમ ન હતા. ગંભીર ચિંતાની સ્થિતિ ઉભી થઇ ગઇ….!. જો ભારત તત્કાલ પુન: રન-વે ન બનાવે તો દુશ્મન દેશનું પલડું ભારે થઇ જાય તેવી દહેશત ઉભી થઇ હતી. જાન ગુમાવવાના ડર વચ્ચે કોણ રન-વે બનાવશે તે પ્રશ્ન ઉભો થયો પરંતુ જેવી વાત ભુજ તાલુકાના માધાપરના વડીલ અગ્રણીઓ સુધી પહોંચી કે વડીલોએ તે સમયે માધાપરની મહિલાઓને દેશ માટે ખુંવાર થવા હાકલ કરતા જ ગામની અનેક નવયુવાન પરિણીત મહિલાઓ ગણતરીના કલાકમાં પોતાના નાના-નાના બાલ-બચ્ચા, બિમાર વડીલો તથા તમામ જવાબદારીઓને પાછળ મુકીને પાવડા તથા તગારા હાથમાં લઇને રન-વે બનાવવા તૈયાર થઇ ગઇ….
મહિલાઓ ટ્રકમાં સવાર થઇને ભુજ એરફોર્સના એરબેઝ પર પહોંચીને જવાનો સાથે ખભેખભા મિલાવીને બોમ્બ પડવાના ભયના ઓંથાર વચ્ચે ૭૨ કલાક કામ કરીને રન-વે તૈયાર દીધો. જાણે ભારતમાતાની વ્હારે સાક્ષાત સાક્ષાત જગદમ્બાઓએ અવતરી હોય તેમ વિરાંગનાઓએ બાઝી સંભાળી ચમત્કાર સર્જી દિધો. પરિણામ સ્વરૂપ બમણી ખુંમારી તથા જોમ સાથે ભારતીય વાયુસેનાના વિમાનોએ ઉડાન ભરીને દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપીને અંતે ભારતને યશસ્વી જીત અપાવી.
એ ભયજનક રાત્રીની વાત યાદ કરતા જીવનના ૮ દાયકા વટાવી ચુકેલા સામબાઇ ખોંખાણી જણાવે છે કે, મારા મારા ત્રણ બાળકો તથા મારા વૃધ્ધ બિમાર દાદી સાસુ તથા સાસુની જવાબદારી હું વહન કરી રહી હતી. મારી ઉંમર ૨૮ વર્ષની હતી. મારી નાની દિકરી ત્યારે માંડ ૨ વર્ષની અને અન્ય બાળકો પણ ૬ વર્ષની અંદરની ઉંમરના હતા. તે દિવસે હું આખો દિવસ મજૂરી કામ કરીને ઘરે આવી કે, ગામના અગ્રણીઓ દ્વારા કહેણ આવ્યું કે, દેશને આપણી મદદની જરૂર છે. આપણો રન-વે પાકિસ્તાને તોડી નાખતા યુધ્ધમાં ભારતીની સ્થિતિ નાજુક બની છે અને યુધ્ધ લડવા તત્પર આપણા જવાનો અસહાય બન્યા છે. ત્યારે દેશની મદદ માટે કોણ ભુજ ચાલી શકશે તે જણાવે…. જીવનો પણ ખતરો રહેશે. આ સાંભળતા જ દેશની સેવામાં જવાની મે હા ભણી દિધી. જો કે, બીજી જ ક્ષણે મને મારા બાળકો,પતિ અને મારા સાસુની ચિંતા થઇ, વરસતા બોમ્બમાં જો મને કંઇ થઇ જશે તો મારા બાળકો મા વગરના થઇ જશે તે વિચારથી મને ડર લાગ્યો. પરંતુ બીજીતરફ એ વિચાર પણ આવ્યો કે, જો આ વિચારથી હું કે અન્ય મહિલાઓ મદદે નહીં જઇએ તો આખો દેશ મોટી આફતમાં મુકાઇ જશે. મારા જેવું જ વિચારીને મારા જેવી અનેક મહિલાઓએ તમામ પરિવાર અને બાળકોને ભગવાનના ભરોષે મૂકીને રન-વે બનાવવાની કામગીરીમાં જોડાઇ હતી.
એ સમયે યુધ્દ્ધની પરિસ્થિતિ હોવાથી રાત્રે લાઇટ ચાલુ કરવાની મનાઇ હોવાથી રન-વે પર અંધારામાં કામ થઇ શકતું ન હતું. તેથી દિવસે કામગીરી કરવામાં આવતી. એકપણ મિનિટ થોભ્યા વગર પુરૂષો સાથે મળીને મહિલાઓએ કામગીરી કરી હતી. એક તરફ પાકિસ્તાન દ્વારા બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા, કાનના પડદા તૂટી જાય તેવા અવાજો આવી રહ્યા હતા. તેવા ભયજનક વાતાવરણમાં જીવને હથેળીમાં રાખીને માધાપરની બહેનોએ જોમ સાથે કામગીરી કરી હતી.
આજે જયારે એ દિવસો યાદ કરીએ તો, ગર્વ થાય છે કે, આ જીવનમાં જે ધરતી પર અમે જન્મ લીધો છે તેનું ઋણ અદા કરવાનો મોકો મળ્યો. જન્મભૂમીનું ઋણ ઉતારવા આ જ રીતે સૌ ભારતવાસીઓ હંમેશા તત્પર રહે તેવી અમારી અભ્યર્થના છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મારી માટી, મારો દેશ અભિયાન ચલાવી રહ્યા છે તે ખરેખર કાબીલેદાદ છે. દેશની નવી પેઢીને દેશના રાષ્ટ્રવીરો વિશે જાણકારી મળે અને તેઓમાં પણ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે આ પ્રકારના અભિયાન મુખ્ય ભૂમિકા ભજવે છે.