અંજાર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલય નજીક એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી 70,800 ના મુદ્દામાલ સહિત આઠ ખેલીઓ ઝડપાયા
copy image
અંજાર ખાતે આવેલ પ્રજાપતિ છાત્રાલય નજીક એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે રેઇડ પાડી આઠ શખ્સોને ઝડપી પાડયા હતા. આ ઈશમો પાસેથી રોકડ રૂા. 35,300 જપ્ત કરવામાં આવેલ હતા. મળેલ માહિતી અનુસાર અંજારમાં આવેલ પ્રજાપતિ છાત્રાલય પાસે રહેનાર વિજય નારાણ ગઢવી નામનો શખ્સ બહારથી ખેલીઓને બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મકાનમાં છાપો મારતા એક શખ્સ નાસવા જતા પડી જતાં તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. મકાનમાં ધાણીપાસા વડે જુગાર રમતાં વિજય નારાણ ગઢવી, પ્રવીણસિંહ લાલુભા સોલંકી, જુસબશા અલીશા શેખ, હુસેનશા જમનશા શેખ, પરાગ વેલજી પ્રજાપતિ, ગંગારામ અખા મકવાણા, જયેશ ઉર્ફે ચકો વેલજી પ્રજાપતિ અને મુસ્તાક હુસેન લંઘા નામના શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 35,300 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 70,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
