માંડવી ખાતે આવેલ મોટા ભાડિયામાં 1.40 લાખનો શરાબ ઝડપી પાડતી કોડાય પોલીસ
copy image
માંડવી ખાતે આવેલ મોટા ભાડિયા ગામમાથી રૂા. 1,39,500નો શરાબ સગે-વગે થવા પહેલા જ કોડાય પોલીસે ઝડપ્યો હતો. મળેલ માહિતી અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે કોડાય પોલીસ મથકના પી.આઈ. કે.એસ. ચૌધરી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન હે.કો. મૂળરાજભાઈ ગઢવીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોટા ભાડિયા ગામે ચારણ સમાજવાડીની નજીક આવેલ પાણીના ટાંકા પાસે ગામના પરેશ અભા ગઢવી કારમાં શરાબનો જથ્થો રાખી તેને સગે-વગે કરવાની તૈયારીમાં છે. મળેલ બાતમીના આધારે શરાબ સગે-વગે થાય તે પહેલા જ પોલીસે દરોડો પાડી મારુતિની સ્વિફ્ટ ડિઝાયર કાર નં. જી.જે. 12 બી.ડબલ્યૂ. 3416 કિં. રૂા. 3,00,000 વાળીમાંથી મેકડોવેલ્સ નં. 1 વ્હિસ્કીની 276 બોટલ, રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 60 બોટલ અને રોયલ સ્ટેગ વ્હિસ્કીની 12 બોટલ એમ કુલ 348 શરાબની બોટલ જેની કિં. રૂા. 1,39,500 આમ કાર સહિત કુલે રૂા. 4,39,500નો મુદ્દામાલ કોડાય પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી પરેશ હાજર મળેલ ન હતો. આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.
