ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ ટ્રાન્સપોર્ટનગર પાસે સી.જે. શાહ પેટ્રોલ પંપ નજીક ઊભેલા એક યુવાન પર છરી વડે હુમલો કરી બે અજાણ્યા શખ્સ નાસી છૂટ્યા હતા. અંજાર ખાતે આવેલ જરૂ ગામમાં રહેનાર ભાવિક શંકર અવાડિયા નામના યુવક પર ગત દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીધામમાં આવેલ સી.જે. શાહ પેટ્રોલ પંપ નજીક તે ટ્રક આવવાની રાહ જોતો ઊભો હતો, તે દરમીયાન  બાઈક ઉપર બે અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા અને છરીનો ઊંડો ઘા ઝીંકી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ  હતો. આ શખ્સ કોણ હતા, લૂંટ કરવા આવ્યા હતા કે અન્ય કોઈ કારણે હુમલો કરવામાં આવેલ હતો ? તે માટે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ પોલીસે આરંભી છે.