તૈયાર છાશ પીનારા લોકો સાવધાન : તૈયાર દૂધ-દહીં તેમજ છાશ પીવાના કારણે લોકોની તબયત બગડી, લોકો હોસ્પિટલ પહોંચ્યા  

સામાન્ય સંજોગોમાં ઝાડા થાય તે દરમીયાન તબીબો દ્વારા દર્દીને દહીં-છાશ લેવાની સલાહ અપાય છે પરંતુ કચ્છમાં દહીં અને છાશના કારણે જ લોકોને ડાયેરિયા થયા હોવાની  બાબત સામે આવી છે. દૂધની બનાવટોમાં મોટા પાયે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા બનાવનાર કંપની દ્વારા બજારમાંથી માલ પરત ખેંચી લીધો હોવાનું સામે આવ્યું છે.

કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો  છે પરંતુ હકીકત તપાસતા સામે આવ્યું કે, તૈયાર દૂધ-દહીં તેમજ છાશ પીવાના કારણે લોકોની તબયત ખરાબ થઈ રહી  છે. મળેલ માહિતી અનુસાર ગત શનિવાર અને રવિવારના સપ્લાય કરવામાં આવેલા માલમાં ગરબડ હોય તેવું જાણવા મળ્યું છે. જે – જે સ્થળોએ આ માલ ગયો છે અને જે પણ લોકોએ  દૂધ – દહીં તેમજ છાશનું સેવન કર્યું છે તેમણે પેટમાં દુખાવા બાદ ઝાડા જેવી સમસ્યાઓ થઈ હતી. કેટલાક લોકોના ઘરમા ઝાડાની દવા હાજર હોય છે જેના કારણે ઘરે જ ઉપચાર અથવા તો મેડિકલ સ્ટોરમાંથી ગોળી લેતા તબિયતમાં સુધારો હતો. તેમજ ઘણા લોકો ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લામાં વિવિધ સ્થળોએ 500થી 700  જેટલા લોકો આ સમસ્યાનો  ભોગ બની ચૂક્યા છે.