સામન્ય ઝગડાએ હિંસક રૂપ ધારણ કર્યું : સુખપરમાં માતા-પિતા સાથે ઝઘડો થતાં દીકરાએ ઘર સળગાવ્યું
ભુજ ખાતે આવેલ સુખપરના જૂનાવાસમાં ગત રાત્રે આગનો બનાવ બન્યો હતો. જે ઘટનામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં દરવાજો ધડાકાભેર બહાર પડયો હતો, જેના કારણે રસ્તા પર પગે જતા રાહદારીના પગમાં આ દરવાજો અથડાતાં તેઓને અસ્થિભંગની ઈજા પહોંચી હતી. મળેલ માહિતી મુજબ આ બનાવમાં માતા-પિતા સાથે ઝઘડો કરીને પુત્રએ જ ગેસના સીલિંડરમાં આગ ચાંપી ઘર સળગાવી દીધેલ છે. ગત રાત્રે બનેલ આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.
આ બનાવ બાબતે સુખપરના નવાવાસમાં જાદવા શેરી, શાકમાર્કેટ પાસે રહેતા પ8 વર્ષીય રમેશભાઈ દુધૈયા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત રાત્રે તેમના દીકરા હાર્દિકે ઘરે આવીને ફરિયાદી રમેશભાઈ તેમજ હાર્દિકની માતા રમીલાબેન પાસે નાસ્તો લેવા પૈસાની માગણી કરી હતી. પરંતુ માતા-પિતાએ ના પાડતાં પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો તેમજ માતાને ઘરની બહાર કાઢી મુકેલ હતી. ફરિયાદી વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી ઘરથી બહાર કાઢી મુકયા હતા. ત્યાર બાદ હાર્દિકે રસોડાંમાં ગેસનો બાટલો ચાલુ કરી આગ લગાડી દીધા બાદ બહાર આવી ફરિયાદને કહ્યું કે, મેં બાટલો ચાલુ કરી આગ લગાડી દરવાજો બંધ કર્યો છે, હમણા જ ધડાકો થશે. તે દરમીયાન થોડીવારમાં જ ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં જોરદાર ધડાકો થયો હતો અને ઘરનો દરવાજો જોશભેર રોડ પર આવી ગયેલ હતો. ઘટનામાં ઘરમાં રહેલી ચીજવસ્તુઓ તેમજ ઘરની દીવાલોને નુકસાન થયું હતું. આ અંગે માનકૂવા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.