માંડવી ખાતે આવેલ મેરાઉ વાડી વિસ્તારમાં આઠ ખેડૂતોના વીજલાઇન-થાંભલા તોડી પાડતા ચકચાર : ખેડૂતોને થયેલ હાલાકી નિવારવા તેમજ વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા અને જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી

માંડવી ખાતે આવેલ  મેરાઉ ગામના આઠેક ખેડૂતોના સીમ વિસ્તારમાં વીજ પ્રવાહ લઇ જતી લાઇન તેમજ થાંભલા સ્વીચ કાપીને જેસીબીથી તોડી નાખ્યા હોવાનો આરોપ ખેડૂતો વતી સન્મુખસિંહ જાડેજા દ્વારા કરવામાં  આવેલ છે જેના પ્રતિભાવમાં વીજતંત્ર દ્વારા બે કલાક પહેલા જ તંત્રને જાણ કરવામાં આવ્યાનું કબૂલી આજે આ દિશામાં કાર્યવાહીની ખાત્રી આપવામાં આવેલ છે. 66 કેવીની ક્ષમતા સાથે મેરાઉ જતી વીજ લાઇનમાં સન્મુખસિંહ જાડેજાની વાડી નજીક જ થાંભલા તોડી-સ્વીચ તોડી ફેંકવામાં આવ્યા છે. મળેલ માહિતી અનુસાર આ ઘટના ચાર દિવસ આગાઉ મધ્ય રાતના અરસામાં થયેલ છે અને વીજતંત્રના તજજ્ઞ સિવાય આવી તોડફોડ થાય નહીં તેવા આરોપ સાથે આઠથી વધારે  ખેડૂતોને પડેલી હાલાકી નિવારવા વીજ વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવા અને જવાબદારો સામે પગલા લેવાની માંગ સન્મુખસિંહ જાડેજા દ્વારા  કરવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ તોડફોડ કરનારા શખ્સોએ વીજતંત્રની મિલકતને નુકશાન પહોંચાડેલ છે જે ગંભીર બાબત છે, આ તબક્કે તેમણે ફરિયાદીઓએ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆતની ધમકી આપી પોતાને ડરાવવાનો પ્રયાસ કરેલ હોવાનો આક્ષેપ પણ કરેલ હતો.