અંજારમાં યુવતીનો પીછો કરનાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજારમાં યુવતીનો પીછો કરી તેના ઘરમાં ઘુસ્યા બાદ યુવતીના ઘરમાં તથા કારમાં તોડફોડ કરનાર શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર અંજારના દેવનગર તેમજ ગંગોત્રી સોસાયટીમાં રહેનાર એક યુવતીએ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ગત રાત્રે પોતાના ઘરે જઇ રહી હતી તે દરમીયાન આરોપીએ તેનો પીછો કરી તેના ઘરે ઘૂસી ગયેલ હતો. જ્યાં તેને સમજાવીને બહાર કાઢી મૂકયો હતો. ફરિયાદી પોતાનાં બીજા ઘરે જતાં આ શખ્સ ત્યાં પણ પહોંચી ગયેલ હતો. આરોપીએ ઘરના કાચના દરવાજામાં મુક્કો મારી કાચ તોડી નાખેલ હતો. તું મારાથી વાત કેમ કરતી નથી તેમ કહી તેણે ફરિયાદીને માર માર્યો હતો. ત્યાર બાદ ઘરમાં ઊભેલી કારનો કાચ તોડી નાસી છૂટ્યો હતો. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.