માંડવીમાં ધોળા દિવસે 16.81 લાખની તસ્કરી થતાં ચકચાર

ગત બુધવારે માંડવીના નીકી ગેસ એજન્સી નજીક આવેલ સુંદરવન-1 સોસાયટીમાં શહેરના જાણીતા વેપારીના મકાનમાંથી 14.31 લાખના ઘરેણા, 2.50 લાખની રોકડ અને 500 અમેરિકન ડોલરની તસ્કરી થઈ છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર માંડવીના સુંદરવન-1 સોસાયટીમાં મકાન ધરાવતા બિપીનભાઇ મનસુખલાલ ભણશાળી રક્ષાબંધનનો તહેવાર હોવાથી બુધવારે બપોરે 1 વાગ્યે ઘર બંધ કરીને આખો પરિવાર બહારગામ ગયેલ અને રાત્રે 9.30 વાગ્યે પરત ફરી મકાન ખોલતાં અંદરના ભાગે તમામ વસ્તુઓ વેરવિખેર હાલતમાં જોવા મળેલ હતી. માલિક અને તેના પરિવારે તપાસ કરતાં પાછળના ભાગનો દરવાજો તોડીને અંદર પ્રવેશી ઘરમાં રહેલા કબાટોને તોડીને રોકડ અને દાગીના સહિત મોટી રકમની તસ્કરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે ઘરમાલિક બિપીનભાઇના પુત્ર અમિતભાઇએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ તુરત આવીને વધુ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર તસ્કરોએ ઘરના પાછળના ભાગથી પ્રવેશ કરીને કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 2.50 લાખ, અમેરિકન ડોલર 500, રૂા. 14.31 લાખના વિવિધ દાગીના મળી 16.81 લાખના મુદ્દામાલની તસ્કરી કરેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.