રાપર ખાતે આવેલ ખેંગારપરનાં મંદિરની દાનપેટીમાથી 30 હજારની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image
રાપર ખાતે આવેલ ખેંગારપર ગામમાં રામાપીર મંદિરના તાળાં તોડી તેમાંથી રોકડ રૂા. 30,000ની તસ્કરી કરી અમુક ચોર ઈશમો નાસી છૂટ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપરના ખેંગારપર ગામમાં આવેલા રામાપીરનાં મંદિરમાં ગત તા. 5/9ના રાત્રના અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મંદિરમાં સેવા પૂજા કરતા ગુલાબગિરિ હંસગિરિ ગોસ્વામી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 4/9ના સાંજે આરતી કરીને પોતાના ઘરે ગયેલ હતા. મંદિરમાં રસોયાનું કામ કરનાર એક દંપતી તેમજ બગીચામાં માળીનું કામ કરનાર એક યુવાન રાત્રે મંદિર પરિસરમાં સૂતા હતા.
બીજા દિવસે તા. 5/9ના ફરિયાદી મંદિરે આવી મૂર્તિનું સિંહાસનની સફાઈ કરી બહાર જતાં ગર્ભગૃહની બહાર રહેલી દાનપેટી બહાર સિક્કા પડયા હોવાનું જોવા મળ્યું હતું. જેથી પૂજારીએ સિક્કા ઉપાડી દાનપેટીમાં નાખવા જતાં પેટીના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળેલ હતા. મંદિરમાં લાગેલા સી.સી. ટી.વી.ના ફૂટેજ ચેક કરતાં રાત્રિના ભાગે ચાર શખ્સો મંદિરની દીવાલ કૂદી અંદર ઘૂસ્યા હોવાનું જાણવા મળ્યું, મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલા આ શખ્સોએ દાનપેટીમાં ચોરી કરતા જણાયા હતા. આ દાનપેટીમાં રોકડ રૂા. 30,000 હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવેલ હતું. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.