અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સ્થિત કંપનીમાથી કુલ કિ. 1.78 લાખના વાયરની તસ્કરી થતાં ચકચાર

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સ્થિત વેલસ્પન કંપની અંદર આવેલ સોલાર પ્લાન્ટમાંથી રૂા. 1,78,500ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર વેલસ્પન કંપનીના સોલાર પ્લાન્ટ વિભાગમાં ગત તા. 16-9થી 17-9 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. પ્લાન્ટમાં કામ કરનાર હરીશકુમાર માનારામ મેઘવાળ દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી તા. 16-9ના પ્લાન્ટ બંધ કરીને ઘરે ગયેલ હતા. બીજા દિવસે તે પરત કામે આવતાં સોલાર પ્લાન્ટના બ્લોક નંબર પાંચમાં 11 ઇન્વર્ટર પૈકી પાંચ ઇન્વર્ટર બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી અને અન્ય ઇજનેર ત્યાં જતાં વાયરની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. અહીંથી તસ્કરોએ 6 એમ.એમ.નો 4000 મીટર વાયર, 50 એમ.એમ.નો 50 મીટર તથા 70 એમ.એમ.નો 15 મીટર એમ કુલ્લ રૂા. 1,78,500ના વાયરની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.