ગાંધીધામમાથી બંધ ઘરનાં તાળાં તોડી 1.50 લાખની તસ્કરી થતાં ચકચાર

ગાંધીધામ ખાતે આવેલ એ ડિવિઝન નજીક વોર્ડ-7-ડી, ગુરુકુળ વિસ્તારમાંથી એક બંધ મકાનનાં તાળાં તોડી 1,50,000ની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલ વોર્ડ-7-ડીના પ્લોટ નંબર 109માં ગત તા. 12-9ના સાંજથી તા. 18-9ની સવાર દરમ્યાન આ બનાવ બન્યો હતો. આ મકાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર કોંઢના હરપાલસિંહ સુખદેવસિંહ ઝાલા સિવિલ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. ફરિયાદીના માતા-પિતા અમદાવાદ ગયા હતા. આ દરમ્યાન તા. 12-9ના ફરિયાદી તેમના પત્ની તથા ભાણેજી પણ અમદાવાદ જવા નીકળી ગયેલ હતા. પરિવાર સાથે અમદાવાદથી ઉજ્જૈન ગયેલ  હતા. ત્યાંથી પરત અમદાવાદ આવી ગત દિવસે સવારના અરસામાં ચંદુભાઇને ફોન કરી પ્લાન્ટમાં પાણી નાખી આવવા જણાવ્યું હતું. થોડીવાર બાદ ચંદુ સતાણીએ ફરિયાદીને ફોન કરી ઘરની તમામ લાઇટો ચાલુ હોવાની અને તાળાં તૂટેલાં હોવાની જાણ કરી હતી. ફરિયાદી ગત દિવસે સાંજના અરસામાં પરત ઘરે આવ્યા હતા. પરત આવીને જોતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર પડયો હતો. રસોડાંના પાછળના દરવાજાના નકુચા, તાળાં તોડી તસ્કરો અંદર ઘુસ્યા બાદ કુલ રૂા. 1,50,000ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.