ગાંધીધામમાં બંધ મકાનમાથી 1.31 લાખની તસ્કરી થતાં ચકચાર

ગાંધીધામ ખાતે આવેલ સપનાનગર એન.યુ. 4 વિસ્તારમાં આવેલ આર.પી.એફ.ના નિવૃત્ત અધિકારીના ઘરમાથી 1.31 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ગત તા. 17/9ની રાત્રિ દરમ્યાન આ બનાવ બન્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર બંધ મકાનની બારીની ગ્રિલ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાથી રોકડ રકમ તથા દાગીના એમ કુલ રૂા. 1,31,000ની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ નિવૃત્ત અધિકારી છેલ્લા બે માસથી પોતાની દીકરીના ઘરે મુંબઇ ગયેલ હતા તે દરમીયાન તસ્કરોએ બંધ મકાનના ડ્રોઇંગ રૂમની તથા બેડરૂમની લાકડાંની બારીની ગ્રિલ તોડી મકાન અંદર ઘૂસ્યા હતા. અને ઘરમાં રાખેલ લોખંડના કબાટનો દરવાજો તોડી તેમાંથી રોકડ રૂા. 50,000  તેમજ બે તોલાની સોનાની ચેઇન, ચાર ગ્રામની સોનાની બે વીંટી, છ ગ્રામની સોનાની કાનની બાલી, 500 ગ્રામના ચાંદીના વાસણ, વગેરે તથા ચાંદીના બે દીવા, ચાંદીના સિક્કા ચાર એમ કુલ રૂા. 1,31,000ની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. ફરિયાદી મુંબઈ હતા તે દરમીયાન તેમના કેમેરામાં કઈ દેખાતું ન હોવાના કારણે તેમણે બાજુમાં રહેતા પોતાના સગા મોટા ભાઇને ફોન કરી લાઇટ ચાલુ કરી આવવા કહ્યું હતું. તેમના મોટા ભાઇ  ત્યાં પહોંચતા ચોરીનો આ બનાવ સામે આવ્યો હતો. આ ચોરીના બનાવ અંગે ગત રાત્રે પોલીસ  મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.