અંજારમાં મકાન લેવા બાબતે 6.70 લાખની ઠગાઇ થતાં ત્રણ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજારમાં મકાન લેવા બાબતે એક યુવાન સાથે 6.70 લાખની ઠગાઈ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજારમાં મકાન અંગે સોદો કરી સાટાકરાર કર્યા બાદ રૂા. 6,70,000 મેળવી લીધા હતા ત્યાર બાદમાં રૂપિયા પરત ન આપતાં ત્રણ શખ્સો સામે ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી મુજબ અંજાર શહેરમાં આવેલ રોટરી નગરમાં રહેતા તેમજ આઇક્રીમની દુકાન ચલાવતા ચેતન હરિલાલ ઝાલા દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.
નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીને મકાન ખરીદવું હોવાથી તેમણે પોતાના મિત્રવર્તુળમાં તેની વાત કરેલ હતી. તે દરમ્યાન ગાંધીધામના દીપ ભાનુશાલીએ તેમને શિણાયમાં અંબાજી સોસાયટીમાં હિતેષ મકવાણાનું મકાન વેચાઉ હોવાની વાત જણાવી હતી, જેથી ફરિયાદીએ તેમનો સંપર્ક કરી મકાન જોવા માટે શિણાય ખાતે ગયેલ હતા. આ મકાન હિતેષ મકવાણાના પત્ની જયશ્રીબેનના નામે હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી મકાન જોવા ગયા તે સેમય દમરીયાન પ્રેમ મકવાણા પણ હાજર હતો. મકાન જોયા બાદ રૂા. 10 લાખમાં મકાનનો સોદો નક્કી કરાયો હતો. જે બાબતે સાટાકરાર કરાવેલ તેમાં હિતેશ ભીખુ મકવાણા અને પ્રેમ ભીખુ મકવાણાએ સાક્ષી તરીકે હસ્તાક્ષર કરેલ હતા. ફરિયાદીએ જયશ્રીબેન મકવાણાને રૂા. 3 લાખનો ચેક તેમજ રોકડ રૂા. 50,000 આપેલ હતા તેમજ બાકીના પૈસા તા. 15/5/2023 સુધીમાં ચૂકવી આપવા જણાવેલ હતું. સાટાકરાર બાદ હિતેષ મકવાણાએ ફરિયાદીને ફોન કરી વધુ રૂપિયાની માંગ કરતાં ફરિયાદીએ તેને અંજાર બોલાવી રૂા. 3,50,000 ચૂકવી આપેલ હતા. બાદમાં ફરિયાદીને જાણવા મળેલ કે, તે મકાન પર લોન લેવામાં આવેલ છે અને જયશ્રીબેન કે હિતેષ મકાવાણાએ તે ચૂકવેલ નથી. ફરિયાદીએ આ આરોપીને ફોન કરી પૂછપરછ કરતાં લોનની વાત સ્વીકારી રૂા. 7 લાખ પરત આપી દેવાની વાત કરેલ હતી. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને રૂા. 30,000 આપ્યા હતા અને બાકી નીકળતા રૂા. 6,70,000 વારંવાર માગવા છતાં આપવામાં ન આવતા આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.