ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં સાંઇ જલારામ મંદિરમાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

નખત્રાણા પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં નખત્રાણા ખાતે આવેલ સાંઇ જલારામ મંદિરમાથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ મામલે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ સાંઇ જલારામ મંદિરમાથી દાનપેટી તોડી તેમાંથી 5000ની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ ગત શુક્રવારના રાતના અરસામાં નખત્રાણા પોલીસે આ ચોરીને અંજામ આપનારા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ચોરીની ફરિયાદ નોંધાયા બાદ આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ ગત શુક્રવારના રાતના અરસામાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન પોલીસને જોઇ બે અજાણ્યા ઇસમો બાવળોની ઝાડીમાં નાસી છૂટયા હતા. આથી આ શખ્સોને ઝડપવા બાવળોની ઝાડીઓમાં તલાશ કરતા બે શખ્સ ધારદાર કોસ તથા મોટા ક્રૂ ડ્રાઇવર અને કટર-પકડ જેવા હથિયાર મળી આવેલ હતા. પકડાયેલ ઈશમોને પૂછપરછ કરતા તેઓએ સાંઇ જલારામ મંદિરની ચોરી સ્વીકારી હતી. આ ઈશમો પાસેથી રોકડા રૂા. 5,970 મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.