ભુજ ખાતે આવેલ બાપાદયાળુ નગરમાં વરસાદી પાણી અને ગટરણી સમસ્યાથી લોકો ત્રસ્ત
ભુજ ખાતે આવેલ બાપાદયાળુ નગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરનાં દૂષિત પાણીના નિકાલની સમસ્યા નિવારણ અંગે ભુજના લોકો દ્વારા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. કરવામાં આવેલ રજૂઆત અનુસાર ભુજમાં આવેલ ભીડ ગેટથી નવા રેલવે સ્ટેશન તરફ જતા માર્ગે આવેલ બાપાદયાળુ નગર વિસ્તારમાં 180 જેટલા પરિવારો રહે છે. 15 દિવસ પૂર્વે આવેલ વરસાદના કારણે આ વિસ્તારમાં વરસાદી અને ગટરનાં દૂષિત પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાઈ છે, જેનો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે વિસ્તારમાં ગંદકીના પરીણામે લોકોમાં બીમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે કોઇ કામગીરી હાથ ધરાઈ નથી. હાલમાં પણ ગટરલાઇનમાંથી પાણી જવાને બદલે પરત આવતા અને લોકોના ઘરોમાં પહોંચતાં રહેવાસીઓ ત્રસ્ત બની ચૂક્યા છે.આ મામલે વહેલી તકે કોઈ કામગીરી કરવામાં આવે તેવી લોકો દ્વારા ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.