ગાંધીધામમાં કારનું ટાયર બદલવામાં મદદ કરવાના બહાને રૂ. 12 લાખ સેરવાઈ ગયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ ચાવલા ચોક વિસ્તારમાં ધોળા દિવસે કારની આગળની સીટમાંથી રોકડ રૂા. 12 લાખની ચોરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ ચાવલા ચોક વિસ્તારમાં કારમાં પંચર પડવાના કારણે પૈડું બદલાવવા મદદ કરી તસ્કરોએ કારની આગળની સીટમાંથી રોકડ રૂા. 12 લાખ સેરવી લીધા હતા. આ મામલે માંડવીની સવાઇગર સોસાયટીમાં રહેતા અશ્વિનકુમાર દયારામ સોનાગેલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી વૃદ્ધના દીકરીના લગ્ન કરવાના હોવાથી ફરિયાદી ખરીદી કરવા રાજકોટ જઈ રહ્યા હતા. ફરિયાદી 12 લાખ લઇને પોતે એકલા કાર લઇને સવારના અરસામાં રાજકોટ જવા નીકળ્યા હતા. વૃદ્ધએ કારની આગળની સીટમાં રેકઝીનની થેલીમાં આ રૂપિયા રાખેલ હતા. ગાંધીધામના ચાવલા ચોક નજીક ખાવડા ચાની દુકાને ચા પીધા બાદ આ વૃદ્ધ થોડા આગળ ગયા હતા જ્યાં દેવુ મેડીકલ સ્ટોરની નજીક તેમની કારમાં પંચર હોવાનું જણાતા નીચે ઉતરી પંચર પૈડાને કાઢી રહ્યા હતા તે દરમ્યાન એક હિન્દી ભાષી શખ્સ ત્યાં આવ્યો અને આ શખ્સે અંકલ મેં ટાયર ખોલ દેતા હું તેમ કહી પૈડું કઢાવી બીજું લગાડવામાં મદદ કરી હતી. ત્યાર બાદ મેરે કો જલદી હૈ મૈં ચલતા હું આપ સિર્ફ જેક નીકાલ લેના ઔર સબ સમાન રખ લેના કહીને આ શખ્સ ત્યાંથી નીકળી ગયેલ હતો. દરમ્યાન ફરિયાદીએ જેક કાઢી સામાન ડેકીમાં મૂકી આગળ જતાં બાજુની સીટમાં રાખેલ રેકઝીનની થેલી તથા 12 લાખ ગાયબ હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.