અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવાનને છરી મારી લૂંટ મચાવી બે શખ્સ રફુચક્કર
copy image
અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલ ઓમ રેસિડેન્સીમાં વેપારી પાસેથી લેપટોપ, હાર્ડ ડિસ્ક ભરેલ થેલાની બે શખ્સોએ લૂંટ મચાવી હતી. આ મામલે મળેલ માહિતી અનુસાર આ અંગે ગાંધીધામના ભારતનગર નજીક 9-બી વિસ્તારમાં રહેનાર ઉમેશ ગોવિંદ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદી મેઘપર બોરીચીની ઓમ રેસિડેન્સીમાં ઓમ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ચલાવે છે. આ યુવાન ગત રાત્રે પોતાની દુકાનનું શટર બંધ કરી રહ્યો હતો તે દરમ્યાન પોતાની પાસે બેગ મૂકી રાખેલ હતું જેમાં લેપટોપ, હાર્ડ ડિસ્ક, ચેકબૂક વગેરે સામાન રાખેલ હતો. તે સમયે, પાછળથી બે શખ્સ ત્યાં આવ્યા હતા જે પૈકી એક શખ્સે બેગ લેવાની કોશિષ કરતાં ફરિયાદીની નજર જતાં તેણે થેલો પકડી લીધો હતો ત્યારે આ શખ્સે છોડ દે તેમ કહેતા યુવાને થેલો ન મૂકતાં બીજો શખ્સ ત્યાં આવી છરી કાઢી યુવાનના હાથ ઉપર હુમલો કરી થેલાની લૂંટ મચાવી આ શખ્સો આગળ જઇ બાઇક પર સવાર થઇને પલાયન થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.