ભચાઉ ખાતે આવેલ લુણવાની કંપનીમાં પતરાંની છત નીચે દબાઇ જવાથી 14 વર્ષીય કિશોરીનો જીવ ગયો
ભચાઉ ખાતે આવેલ લુણવામાં કંપનીના ભઠ્ઠા નજીક કામ કરનાર 14 વર્ષીય કિશોરી પર પતરાની છત પડી જવાના કારણે દબાઈ જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ ભચાઉ ખાતે આવેલ લુણવાની સદ્ગુરુ ફ્યુઈસ પ્રાઇવેટ નામની કંપનીમાં ગત તા. 31/10ના બપોરના અરસામાં બન્યો હતો. આ કિશોરી પોતાના માતા-પિતા સાથે ભઠ્ઠામાં કામ કરી રહી હતી. તે સમયે કોઇ કારણોસર આ ભઠ્ઠાની પતરાની છત ઉપરથી નીચે પડી જવાના કારણે આ કિશોરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.