આદિપુરમાં મહિલાને માર મારવાના પ્રકરણમાં ખોટું પ્રમાણપત્ર રજૂ કરનાર તબીબને સજા ફટકારવામાં આવી
copy image
આદિપુર ખાતે રહેતી એક મહિલાને બાળક ચોરીના પ્રકરણમાં પૂછપરછના નામે બોલાવી તેમને માર મારવાના કેસમાં રામબાગ હોસ્પિટલના તબીબ દ્વારા ઈજા ન હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. જેમાં રાજ્ય સરકારે તબીબને સજા ફટકારી હતી. આદિપુરમાં રહેતા તેમજ મૂળ કિડીયનગરનાં લક્ષ્મીબેન સોલંકીને બાળક ચોરી કેસમાં પૂછપરછ માટે એલ.સી.બી. શાખાના ત્રણ પુરુષ, એક મહિલા પોલીસ કર્મીએ બોલાવી તેમને ઢોર માર મારેલ હતો. મહિલાની કોઈ જ સંડોવણી બહાર ન આવતા તેમને મુક્ત કરી દેવામાં આવેલ હતા. આ મહિલા સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખાતે ગયેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કર્યા બાદ મહિલાને ચોવીસ કલાક સારવારમાં રાખી હતી અને ત્યાર બાદ તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા. બનાવની તપાસ શરૂ કરવામાં આવે તે પૂર્વે સરકારી તબીબ દ્વારા ભોગ બનનાર મહિલાને કોઈ ઈજાઓ નથી તેવું ખોટું પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. જેને આધાર બનાવી પોલીસે કોઈ ગુનો બનેલ ન હોવાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરેલ હતો. ભોગ બનનાર મહિલાએ ધારાશાત્રી અજમલ સોલંકી મારફતે તબીબના આવા કૃત્ય બદલ આરોગ્ય વિભાગ રાજ્ય સરકારને ફરિયાદ દાખલ કરાવેલ હતી. આગળની તપાસ કર્યા બાદ ફરજ પરના તબીબને સજા ફટકારવામાં આવેલ હતી.