રાપરમાં વૃદ્ધ ખેડૂતનાં ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં 3.50 લાખ બળીને ખાખ

રાપર ખાતે આવેલ શંકરવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ ખેડૂતનાં ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ખેતપેદાશોના આવેલા રૂા. 3.50 લાખ ઉપરાંત અન્ય ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાપરના શંકરવાડી વિસ્તારમાં રહેનાર વૃદ્ધ ખેડૂત હરજી સવા ભાટેસરાના ત્રણ દીકરા કામ-ધંધાર્થે મુંબઈ રહે છે. આ વૃદ્ધ અને તેમના પત્ની અહીં રહે છે. આ વૃદ્ધ દંપતીએ ગત દિવસે બપોરના અરસામાં ઘરમાં ખેતપેદાશોના રોકડ રૂપિયા રાખી અને પોતાના ખેતરે આંટો મારવા ગયેલ હતા, દરમ્યાન પાડોશી એવા માવજી ચૌધરીએ તેમને ફોન કરી તમારા ઘરમાંથી ધુમાડા નીકળતા હોવાનું કહેલ હતું. ત્યારે વૃદ્ધ અને તેમના પત્નીએ પરત આવી ઘર ખોલીને જોતાં ઘરમાં બોર્ડ નીચે રહેલા ખાટલા, ગોદળા બાજુમાં ધાનના કોથળા વગરે સામાન સળગી રહ્યો હતો. રાડારાડનાં પગલે આસપાસના લોકો એકઠા થતાં આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવેલ હતો. આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં જ રોકડ રૂા. 3.50 લાખ, ધાન, ઘરવખરીનો સામાન વગેરે સળગીને ખાખ થઈ ગયેલ હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન આ આગનો બનાવ શોર્ટસર્કિટના કારણે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું, પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.