ઓનલાઇન મગાવેલાં ફ્રીઝની ડિલિવરી લેટ થતાં ટ્વિટ કર્યા બાદ મુંદ્રાની મહિલા બની રૂા. 58,800ની ઓનલાઇન છેતરપિંડીની શિકાર: એલસીબીએ પૂરેપૂરી રકમ તેમનાં એકાઉન્ટમાં પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી
copy image

ઓનલાઇન મંગાવેલ ફ્રીઝની ડિલિવરી લેટ થતાં મુંદરાની મહિલાએ કરેલ ટ્વીટ તેને ભારે પડ્યું હતું. આ મામલે મળેલ માહિતી અનુસાર મુંદરાની મહિલાએ ફ્લિપકાર્ટમાંથી ઓનલાઇન મંગાવેલ ફ્રીઝની ડિલિવરી લેટ થતાં ટ્વીટ કર્યા બાદ રૂા. 58,800ની ઓનલાઇન છેતરપિંડીની શિકાર બની હતી. જો કે, સાયબર સેલે પૂરે-પૂરી રકમ એકાઉન્ટમાં પરત કરાવી આપીને સરાહનીય કામગીરી બજાવી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મુન્દ્રાના વૈશાલીબેન હડિયાએ ફ્લિપકાર્ટમાં રેફ્રિજરેટરનો ઓર્ડર આપ્યો હતો, જેની ડિલિવરી લેટ થતાં આ અંગે તેમણે ટ્વિટર પર ટ્વિટ કરેલ હતું. આ ટ્વિટ બાદ એક અજાણ્યા ઇસમે ટ્વિટર મારફત અરજદાર વૈશાલીબેનને એક લિન્ક સેન્ડ કરેલ હતી અને તેમાં મોબાઇલ નંબર આપેલ હતો. જે નંબર પર અરજદારે સંપર્ક કરતા અરજદાર પાસે એક ટીમ વ્યુઅર નામની એપ ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરવા જણાવેલ હતું. લોગિન કર્યા બાદ સામેવાળાએ અરજદારના મોબાઇલનું એકસેસ લઈ ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂા. 58,800 સેરવી લીધા હતા. છેતરપિંડી થયા હોવાનું સામે આવતાં અરજદારે સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલએ પત્રવ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે તેમની ગયેલી પૂરેપૂરી રકમ તેમનાં એકાઉન્ટમાં પરત અપાવી સરાહનીય કામગીરી બજાવી હતી.