માંડવી ખાતે આવેલ ટ્રસ્ટની મિલકતનું ખોટા હુકમના આધારે 25 લાખમાં પ્રમુખ દ્વારા  વેચાણ કરી દેવાતા માંડવી પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ

copy image

માંડવી ખાતે આવેલ આવેલી શેઠ જેરાજભાઈ પીરભાઈ ટ્રસ્ટની ખંડેર હાલતમાં આવેલ મિલકત ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ખોટા-બનાવટી હુકમના આધારે રૂા. 25 લાખમાં વેચી દસ્તાવેજ તૈયાર કરાવી દેવામાં આવતા સબરજિસ્ટ્રાર દ્વારા તેની વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર માંડવીમાં શેઠ જેરાજભાઈ પીરભાઈ ટ્રસ્ટની મિલકતના ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ખોટા-બનાવટી હુકમો આરોપી ટ્રસ્ટ પ્રમુખ મુર્તઝાભાઈ હસનઅલી ખોજાએ ઊભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ટ્રસ્ટની જમીન ક્ષેત્રફળ 1135 ચો.મી. તથા તેના પર 45 ચો.મી. બાંધકામવાળી જમીન રૂા. 25,00,786માં 27-4-23ના વેચાણ દસ્તાવેજ કરી આપી નોંધણી કરેલ હતી. ત્યાર બાદ આ વેચાણમાં બીડેલા વકફ બોર્ડ તરફથી પરવાનગી આપતા હુકમો ખોટા-બનાવટી હોવાનો ગાંધીનગરના નાયબ નોંધણી નિરક્ષકનો પત્ર આવતાં અને આ અંગે નોંધણી અધિનિયમનની કલમ 82  અંતર્ગત ફોજદારીની કાર્યવાહી કરવા આદેશ કરતાં આરોપી પ્રમુખ મુર્તઝભાઈ ખોજા વિરુદ્ધ સબરજિસ્ટ્રાર દ્વારા માંડવી પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. માંડવી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.