ભચાઉમાં યુવાન પર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઈપ વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભચાઉમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભચાઉમાં સરકારી હોસ્પિટલ સામે એક યુવાનને બોલાવી ચાર શખ્સએ તેને માર માર્યો હતી જેમાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ભચાઉમાં આવેલ સર્વોદય સોસાયટીમાં પોતાના બનેવી-બહેનને ત્યાં રહેનાર મનસુખ મેરા જયપાર નામનો યુવક ગત રાત્રે ઘરે હતો, તે દરમ્યાન દીપક જેઠા ખાણિયા નામના શખ્સે તેને ફોન કરી સરકારી હોસ્પિટલ સામે આવવા કહેલ હતું, જ્યાં જતાં દીપક ખાણિયા સહિત ચાર શખ્સ લોખંડના પાઈપ સાથે ઊભા હતા. આ શખ્સોએ ફરિયાદીને મોબાઈલ આપવાનું કહી તેમા એક વીડિયો છે તે જોવાની વાત કરતા ફરિયાદીએ તેની ના પાડતાં આ શખ્સો ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી આ યુવાનને ઈજા પહોંચાડી હતી. ઘાયલ યુવાનને સૌ પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો.પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.