ભુજ તાલુકાનાં માધાપરમાં બંધ મકાનમાંથી 1.36 લાખની તસ્કરી થતાં ચકચાર
copy image
ભુજ તાલુકામાં આવેલ માધાપરમાં બંધ મકાનમાંથી 1.36 લાખની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર અજાણ્યા ચોર ઈશમો માધાપરમાં એક બંધ ઘરના નકૂચા તોડી તેમાંથી સોનાના દાગીના, લેપટોપ, એક્ટિવા, રોકડ તથા બાજુના મકાનની બહાર રખાયેલ બાઈક મળી કુલ રૂા. 1,36,959નો મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયેલ હતા. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર માધાપર નવાવાસમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા આંધ્રપ્રદેશના અને આર્મી સ્ટેશનમાં નોકરી કરતા યુગંધર ગોપાલ ગાર્નિમિત અને તેનો પરિવાર આર્મી સ્ટેશનમાં દિવાળી નિમિત્તે યોજાયેલા મેળામાં ગયેલ હતા, જ્યાંથી ફરિયાદી પરત આવી ઉપરના માળે આવેલા રૂમમાં સૂઈ ગયેલ હતા અને સવારે ઊઠયા ત્યારે ચોરીનો આ બનાવ સામે આવ્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી સવારે ઊઠયા ત્યારે રૂમનો દરવાજો બંધ હોવાથી સહકર્મીને ફોન કરી દરવાજો ખોલવા જણાવ્યું હતું. ફરિયાદીએ નીચે ઊતરી જોતાં ઘરના આંગણાંમાં દાગીનાનું પર્સ પડેલ હતું અને દરવાજાનો નકૂચો તૂટેલ હાલતમાં જણાયો હતો. ત્યાર બાદ અંદરના રૂમમાં તપાસ કરતાં તિજોરીમાં રખાયેલું 10 હજારની કિંમતનું લેપટોપ, તિજોરીમાં રાખેલ સોનાના કુલ રૂા. 36,959ના દાગીના તથા રોકડા રૂા. 5000 અને મકાનની બહાર રખાયેલી એક્ટિવા કિં. રૂા. 50 હજારની તસ્કરી કરી કોઈ શસ્ખ નાસી છૂટ્યા હતા. ત્યાર બાદ તેમની બાજુમાં રહેતા હસમુખભાઈ ઉમરભાઈ કોલીને આ મામલે વાત કરતાં તેમણે પણ પોતાની રૂા. 35000ની કિંમતની બાઈકની ચોરી થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.