કરાચીથી માછીમારી કરવા માટે રવાના થયેલ બોટમાથી 13 પાકિસ્તાની માછીમાર ઝડપાયા
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, પાકિસ્તાનની એક ફાશિંગ બોટ ભારતીય જળસીમામાં 15 કિલોમીટર સુધી ઘૂસી આવેલ હતી અને ભારતીય કોસ્ટગાર્ડની શિપે પીછો કરીને આ બોટને ઝડપી પાડેલ હતી, જેમાંથી 13 ખલાસીઓની ધરપકડ કરવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ તેઓને પૂછપરછ માટે ઓખા બંદર પર લાવવામાં આવેલ છે અને પોરબંદરના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં તે મામલે ગુનો દાખલ કરવામાં આવશે. મળેલ માહિતી મુજબ ભારતીય કોસ્ટગાર્ડની શિપ `અરિંજય’ જ્યારે અરબી સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમ્યાન એવું ધ્યાને ચડ્યું હતું કે પાકિસ્તાની હોય તેવી જણાતી શંકાસ્પદ પ્રકારની એક ફીશિંગ બોટ ભારતીય દરિયાઈ જળસીમાની અંદર 15 કિલોમીટર સુધી ઘૂસીને માછીમારી કરી રહી છે. ગત 21 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા આઈ.એમ.બી.એલ.નજીક આ બોટને પડકારવામાં આવતા એ ફીશિંગ બોટ પાકિસ્તાન તરફ નાશવા લાગી હતી, જેથી ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અરિંજયની ટીમે તાત્કાલિક પીછો કરીને એ બોટને અટકાવીને ભારતીય જળ સીમામાં જ રોકી લીધી હતી. બોટમાં તપાસ કરતાં તે પાકિસ્તાનની ફાશિંગ બોટ `નાઝ-એ-કરમ’ રજિસ્ટર નંબર 15653-બી હોવાનું સામે આવ્યું હતું અને અંદર તપાસ કરતાં તેર જેટલા ખલાસીઓ મળી આવેલ હતા. આ મામલે વધુ તપસ કરતાં 19 નવેમ્બરના રોજ આ ફીશિંગ બોટ કરાચીથી માછીમારી કરવા માટે રવાના થયેલ હતી તેવું જાણવા મળ્યું હતું. આ મામલે આગળની વધુ કાર્યવાહી ઝારી છે.