ઠંડીની શરૂઆતમાં જ ગાજવીજ સાથે માવઠાંએ ચોમાસુ માહોલ સર્જ્યો

કચ્છમાં કેટલાક તાલુકામાં પડેલ ગાજવીજ સાથેના વરસાદે ઠંડીમાં ચોમાસા જેવો માહોલ બનાવી દીધો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિ.મી.ની ઊંચાઇએ કચ્છ-સૌરાષ્ટ્ર સુધી વિસ્તર્યું છે, જેના પગલે કચ્છના 10માંથી 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસેલા માવઠાંએ શિયાળામાં ચોમાસાનો માહોલ સર્જી દીધો હતો. ઘનઘોર વાદળોની હાજરી વચ્ચે સૂસવાટા મારતો પવન ફૂંકાતાં દિવસે પણ તાપણું કરવાણી ફરજ પડે તેવા ટાઢોડાનો અનુભવ થયો હતો. ગાંધીધામ વિસ્તારમાં એકથી દોઢ, રાપર વિસ્તારમાં એક, ભચાઉમાં અડધોથી એક, ભુજમાં ભારે ઝાપટાં સાથે અડધો, નખત્રાણામાં અડધો તો બન્ની-પચ્છમ-આહીરપટ્ટીમાં તોફાની અવાજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. બંધડી ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. બાલાસર નજીકની વાંઢમાં ઝૂંપડા પર વીજળી પડતાં ઘરવખરી બળીને ભષ્મ થઇ હતી. મહત્તમ પારો એક જ દિવસમાં ચારથી આઠ ડિગ્રી ગગડતાં નોંધનીય ઠંડી અનુભવાઇ હતી. ભુજમાં 25.9, કંડલા (એ.) 25.1, કંડલા પોર્ટમાં 26 અને નલિયામાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં લઘુતમ પારો ગગડશે, તેવી આગાહી કરાઈ છે.