ભુજના યુવક પાસેથી પોલીસની ખોટી ઓળખ આપી 1.93 લાખ સેરવી લેવાયા
પોલીસની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી 1.93 સેરવી લેવાતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વિદેશથી આવેલા પાર્સલમાં ડ્રગ્ઝ હોવાનું કહી પોલીસ અધિકારીના નામે ભુજના યુવાન પાસેથી 1.93 લાખ પડાવી લેવાતા ઓનલાઈન ઠગાઈ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે ભુજના ભાનુશાલીનગર પાછળ આવેલી સરકારી વસાહતમાં રહેતા નિશાંત ધીરેનકુમાર ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ફરિયાદીના નામે વિદેશથી એક પાર્સલ આવ્યું હોવાનો અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને કુરીયર કંપનીના પ્રતિનિધિએ પોતે હોવાનું જણાવી પાર્સલ મુંબઈ કસ્ટમ ઓફિસમાં છે અને તેમાં 150 ગ્રામ એમડી ડ્રગ છે તેવી જાણ કરેલ હતી. ત્યાર બાદ ફરિયાદીએ આવું કોઈ પાર્સલ મગાવ્યું ન હોવાનું જણાવેલ હતું જેથી નીતિનકુમારે સુરક્ષા માટે FIR દાખલ કરવા સલાહ આપી ફોન મુંબઈ સાયબર ક્રાઈમ બ્રાન્ચના નામે ટ્રાન્સફર કર્યો અને એક પોલીસ અધિકારીએ ફરિયાદી સાથે વાત કરી તેના મોબાઇલમાં SKYPE એપ ડાઉનલોડ કરાવેલ અને તેના પર વીડિયો કોલમાં વાત ચીત કરેલ હતી. કથિત પોલીસ અધિકારીએ ડરાવી ધમકાવી કાર્યવાહીની વાત કરી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે 1,93,300 રૂપિયા પડાવી લીધા હતા.