ગાંધીધામમાં બન્યો ચકચારી બનાવ : 26 વર્ષીય યુવાનની લાશ ગટરનાં નાળાંમાંથી મળી
ગાંધીધામમાં ગમગીન બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો-આઝાદનગર પાસે ગટરનાં નાળાંમાંથી 26 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. કાર્ગો-આઝાદનગર પાસે ગટરનાં નાળાંમાંથી મૂળ પાટણ હાલે શહેરના બાપાસિતારામ નગર વિસ્તારમાં રહેનાર 26 વર્ષીય પ્રિન્સ નરેશ સોલંકી નામના યુવાનની હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, હત્યાના આ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ મચી હતી. શહેરના બાપાસિતારામ નગર વિસ્તારમાં રહેનાર મૂળ પાટણનો પ્રિન્સ નામનો યુવાન કાસેઝની કપડાંની કંપનીમાં કામ કરતો હતો. ગત દિવસે ઢળતી બપોરે કાર્ગો-આઝાદનગર નજીક ગટરનાં નાળાંમાંથી તેની લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવેલ હતી. આ યુવાનની લાશ અંગે પોલીસને જાણ થતાં તુરંત પોલીસ અહીં દોડી આવી હતી અને લાશને બહાર કાઢી હતી. અને તપાસ શરૂ કરી દેવાઈ હતી. શરૂઆતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે તપાસ કરતાં આ યુવાન પ્રિન્સ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. લાશનું નિરીક્ષણ કરાતાં તેનાં માથાંમાં પથ્થર મારી તથા પેટમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, કાસેઝની કંપનીમાં કામ કરનાર આ યુવાન પોતાના માતા-પિતા સાથે અહીં રહે છે. કોઈ કામ અર્થે તેના માતા-પિતા પાંચ-સાત દિવસથી પોતાના વતન પાટણ ગયેલ હતા. પોલીસે આ હત્યાના બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.