રપરના સુવઈ ગામ ખાતે ત્રણ શખ્સો પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ
copy image

રાપર ખાતે આવેલ સુવઈ ગામના સીમ વિસ્તારમાં ત્રણ શખ્સો દ્વારા ધારિયાં અને છરી વડે ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે બપોરના અરસામાં રાપરના સુવઈ ગામની સીમમાં ઘાંચીવારી વાડી નજીક રસ્તા પર બન્યો હતો. મળેલ માહિતી મુજબ ફરિયાદી અને તેના બે મામાના દીકરા મોટરસાઈકલ લઈને જઈ રહ્યા હતા, તે દરમ્યાન આરોપી શખ્સએ ધોકો મારતાં ત્રણેય જણ નીચે પડયા હતા. બાદમાં ત્રણેય આરોપી શખ્સોએ ધારિયાં, છરી અને ધોકાથી પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો, જેમાં ફરિયાદીને છરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત ફરિયાદીના સાથે ગયેલ બે જણ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ફરિયાદીએ આરોપી શખ્સને આજથી બે વર્ષ પૂર્વે પિયત માટે પાણી આપ્યું હતું. આ પાણી પેટે નીકળતા રૂા. 60 હજાર તથા ફરિયાદીના ભાગના 40 મણ એરંડાની માગણી કરતા હતા. બાકી નીકળતી રકમ અને ખેતપેદાશ મુદ્દે ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થતી હતી, જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપીએ હુમલો કરી દીધો હતો. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.