નખત્રાણાના આમારામાં થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
 
                copy image

નખત્રાણા ખાતે આવેલ આમારા ગામના સીમ વિસ્તારમાં સ્ટોરમાંથી થયેલ વાયર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોની અટક કરી છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આમરાના સ્ટોરમાથી રૂા. 2,66,100ના વાયર તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને, દરમ્યાન માતાના મઢ બાજુથી આવતા વાહનમાં ચોરીનો માલ હોવાની મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે શંકાસ્પદ છકડો તેને રોકાવી તેની તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન વાયરને સળગાવીને કાઢેલા સફેદ-ભૂરા રંગના વાયરના ગૂંચડા નીકળી પડ્યા હતા. આ મામલે આ વાહનમાં સવાર ત્રણેય શખ્સોની અટક કરી લેવામાં આવી હતી. પકડાયેલ શખ્સો પાસેથી રૂા. 1,21,000નો વાયર તથા વપરાયેલ છકડો હસ્તગત કરાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        