શામળાજી પોલીસે ૨૪ કલાકમાં 3 ટ્રક અને 1 કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી શરાબ કબ્જે કહ્યો
શામળાજી : બુટલેગરો વિદેશી શરાબ ઘુસાડવા મરણિયા બન્યા હોય એર સ્ટ્રાઈકના પગલે રતનપુર ચેકપોસ્ટ પર સઘન પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ હોવા છતાં વિવિધ વાહનો મારફતે વિદેશી શરાબ ઘુસાડવા પ્રયત્નશીલ રહેતા બુટલેગરો જાણે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રનો ખોફ ના હોય તેમ બિન્દાસ્ત જણાયા હતા. શામળાજી પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમના સ્ટાફે ૨૪ કલાકમાં ૧ ટ્રક, ૧ લકઝુરિયસ કાર અને ૨ ટ્રક-કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી શરાબ ઘુસાડવાનો પેતરો નિષ્ફળ બનાવી સપાટો બોલાવ્યો હતો. અરવલ્લી જીલ્લાની શામળાજી પાસે આવેલી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં વિદેશી શરાબ ઘુસાડવા સેફ હેવન માનવામાં આવે છે. શામળાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એમ.પી.ચૌહાણ અને તેમના સ્ટાફે ૨૪ કલાકમાં ચેકપોસ્ટ પાસેના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ૧ કાર અને 3 ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબ પકડી પાડતા વિદેશી શરાબ ક્યાં રાખવો તેની મૂંઝવણમાં મુકાવવું પડ્યું હતું. શામળાજી પોલીસે વેણપુર ગામ પાસે ટ્રક નં એચ આર 39 એ 9066 ને રોકી કન્ટેનરમાં ગુપ્તખાનું બનાવી સંતાડેલી વિદેશી શરાબ બોટલ નંગ ૧૮૦૦ કિંમત રૂ.૫,૪૦,૦૦૦ કબ્જે કરી ટ્રકચાલક અશોક મહેન્દ્રસીંગ જાટની અટક કરી ટ્રકની કિંમત .રૂ ૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ ૧ કિંમત રૂ.૧,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૪૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અણસોલ ગામની સીમમાંથી શક્તિસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ સ્કોડા કારમાં વિદેશી શરાબ ભરી પસાર થતા શામળાજી પોલીસે અટક કરી કારમાંથી વિદેશી શરાબની બોટલ નંગ ૯૬ કિંમત રૂ ૩,૦૭,૨૦ કબ્જે કરી કારની કિં.રૂ.૩,૦૦,૦૦૦ તથા મોબાઈલ ૧ મળી કુલ રૂ. ૩,૩૧,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી બ્યાવારના ટેકેદાર મેવાડજી અને અમદાવાદના હિમંતસિંહ રાજપૂતને વિદેશી શરાબ ભરી આપવામાં મદદગારી કરતા કારચાલકની અટક કરી ત્રણે ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ટ્રક કન્ટેનરમાં પશુ આહારની આડમાં નરેશ હેમેન્દ્ર રાજપૂત અને સુરેન્દ્રસિંગ હેમરાજ રાજપૂતની અટક કરી વિદેશી શરાબની બોટલ નંગ ૧૮૨૪ કિંમત રૂ ૫,૪૭,૨૦૦ નો વિદેશી શરાબ કબ્જે કરી, મોબાઈલ ૧ કિંમત રૂ.૨,૦૦૦ તથા ટ્રકની કિંમત .રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧૫,૪૯,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વધુ એક ટ્રક-કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી શરાબ પકડાતાં શામળાજી પોલીસે વિદેશી શરાબની ગણતરી હાથ ધરી હોવાનું શામળાજી પોલીસે જણાવ્યું હતું.