ગળપાદરમાં બે ઘરના તાળાં તોડી રૂ.1.19 લાખની ચોરી
ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં વર્ધમાનનગરમાં આવેલા બે રહેણાક મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને ઘરના દરવાજાનાં તાળા તોડી અંદર રાખેલ સોના-ચાંદીનાં દાગીના, રોકડ,એલસીડી ટીવી વગેરે મળી રૂ. 1.19 લાખની માલમતાનો ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી ગઈ છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાનના ગળપાદરમાં આવેલા વર્ધમાનનગરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતાં સંતોષ શિવચરણ ગુપ્તાની પત્ની બનારસ ગઈ હતી, જેથી સંતોષ રેલવે કોલોનીમાં પિતા સાથે રહેતો હતો. દરમિયાન સવારના અરસામાં પહેલા કોઈ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. વર્ધમાનનગરમાં સંતોષનાં ઘરના દરવાજાનું તાળું તોડી નિશાચરોએ અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ કબાટમાં રાખેલા રોકડ રૂ.15,000 તથા સોનાની વીતી, માગ ભરવાનો ટીકો, બુટ્ટી, બંગડી, ચાંદીના ઝંઝારા વગેરે મળી રૂ.99,000ની માતાની ચોરી કરી લેવાઈ હતી. જ્યાંથી વિસ્તારમાં આવેલા ચમન કંચનશી ગોસ્વામીનાં ઘરમાં નિશાચરોએ પડાવ નાખ્યો હતો અને ત્યાંથી પણ એલસીડી ટીવીની તસ્કરી કરી હતી. આમ બંને રહેણાંક ઘરમાંથી રૂ.1,19,000ની માતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ સંતોષનાં ભાઈને તસ્કરીની જાણ થતાં સમગ્ર ધટના સપાટી પર આવી હતી.