ડીસાના જુના બસ સ્ટેશન પાસે શો-રૂમનાં તાળાં તુટયાં
ડીસાના જુના બસ સ્ટેશન નજીક આવેલ એક કપડાના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંગળવારે ગત રાત્રિના અરસામાં ત્રણ જેટલા તસ્કરોએ રોકડ અને બ્રાન્ડેડ કપડાંની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે બુધવારે શોરૂમ માલિકને આ અંગેની જાણ થતાં પોલીસને જાણ કરી હતી. જેથી એલ.સી.બી તથા ડી.વાય.એસ.પી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો. વેપારી મથક ડીસામાં તસ્કરી સ્નેચિંગ લૂંટ સહિત અને ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો છે ડીસા ખાતે મંગળવારે એક વિદ્યાર્થીને બુકાનીધારીઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના સનસનીખેજ ઘટનાની શાહી સુકાઈ નથી તે પૂર્વે ડીસા શહેરમાં એક શો રૂમમાં તસ્કરીની ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં હડકંપ મચ્યો છે. ડીસાના જુના બસ સ્ટેશન પાસે આવેલ લિવરપૂલ કપડાના શોરૂમમાં મંગળવારની ગત રાત્રીના અરસામાં ત્રણથી વધુ તસ્કરો ત્રાટકયા હતા. ત્રીજા માળનો દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસી બ્રાન્ડેડ કપડાં તથા રોકડ તસ્કરી ફરાર થઈ ગયા હતા. જોકે વહેલી સવારે તસ્કરી થઇ હોવાનું માલુમ પડતાં શોરૂમ માલિકે પોલીસને જાણ કરી હતી. જેથી એલસીબી પોલીસ સાથે ડીવાયએસપી તેમજ ઉત્તર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તજવીજના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી હતી.