પોર પાસે કાર ટ્રક પાછળ ઘૂસી જતાં બે યુવકોના નિપજ્યા કરૂણ મૃત્યુ

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા પોર પાસે સતલુજ હોટલ નજીક ચાણસદથી પોર તરફ જઈ રહેલી કાર આગળ ચાલી રહેલી ટ્રક પાછળ ઘૂસી જતાં બે યુવાનોનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મુકેશભાઇ બેચરભાઇ પઢિયાર રહે. ચાણસદનાઓ પોતાના મિત્ર સાથે કારમાં સવાર થઈ ચાણસદથી પોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પોર પાસે આવેલી સતલુજ હોટલની નજીક લકી હોટલની સામે કારચાલકે સ્ટિયરિંગ અથવા અન્ય કોઇ કારણોસર કાબુ ગુમાવતા કાર ત્રણ ટ્રેક છોડી રોડની બાજુમાં ઉભેલા એક ટેન્કર નંબર જીજે ૧૨ ઝેડ ૪૬૮૦ ની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં મુકેશભાઇને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેઓના મિત્ર પિનાકિન બચુભાઇ પટેલ રહે. ચાણસદનાઓને ઇજાઓ થતાં ૧૦૮ દ્વારા સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન પીનાકિનભાઇનું પણ મૃત્યુ  નિપજવા પામ્યું હતું. આશાસ્પદ યુવકોના મૃત્યુના સમાચાર વાયુવેગે ચાણસદ ગામમાં પ્રસરતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. અકસ્માત સંદર્ભે વરણામા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *