ગાંધીનગરઃ ડુપ્લીકેટ નોટ બનાવતાં આર&બી ડિપાર્ટમેન્ટના બનાવટી આઇકાર્ડ સાથે બે નકલી એન્જિનિયર પકડાયા

ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ દ્વારા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના બનાવટી આઇકાર્ડ સાથે બે નકલી એન્જિનિયરને પકડી લેવામાં આવ્યાં છે. જેમાં તેમની પાસે રૂપિયા ૫૦૦ની ૩ ડુપ્લીકેટ નોટ સહિત પ્રિન્ટર, સ્કેનર અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર એલ.સી.બી.ના એ.એસ.આઇ પુનમભાઇ છપ્પનભાઇ અ.હે.કોન્સ. મહેન્દ્રસિંહ વિષ્ણુસિંહ, અ.પો.કો જયપાલસિંહ રાજેન્દ્રસિંહ, તથા આ.પો.કો ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહની સ્ટાફ ગાંધીનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સેકટર-૬માં આવેલાં પેટ્રોલપંપ પાસે ઉભેલી એક મારૂતિ રીટઝ કાર નંબર જીજે ૧૮ કેઇ ૩૭૭૩ તપાસ કરી હતી. જેમાં પોલીસને તેમાં બેઠેલાં બે શખ્સો વિરલ બાબુભાઇ રાંદરીયા તથા રણજીતસિંહ મુળરાજસિંહ ચૌહાણ શંકાસ્પદ જણાયાં હતાં. આ બંનેની પોલીસે ઉડાણપૂર્વક પુછપરછ કરતા તેમણે સંતોષકારક જવાબ નહી આપતા તેમની કારનું સઘન તપાસ કરવાંમાં આવ્યું હતું. તેમાંથી આર એન્ડ બી ડીપાર્ટમેન્ટ ગુજરાતનું વી. બી. રાદરીયા સીવીલ એન્જનીયરના નામનું આઇકાર્ડ મળી આવ્યું હતું. જે તલાશી કરતા બનાવટી હોવાનું જણાયેલ છે. આ ઉપરાંત આ કારમાંથી ભારતીય ચલણની રૂપિયા પ૦૦ના દરની નકલી નોટ નંગ ૩ મળી આવી હતી. જે નોટો અંગે પુછતા વિરલએ પોતાના મિત્ર રણજીતસિંહ ચૌહાણના લેપટોપ તથા કલર પ્રિન્ટમાં સ્કેનરનો ઉપયોગ કરી પ્રિન્ટ કાઢી હોવાનું જણાવ્યું હતું. આ બંને અવારનવાર સુરત જતાં આવતાં હોઇ ટોલટેક્ષમાં પૈસા ભરવા ન પડે તે માટે આ ડિપાર્ટમેન્ટનું ખોટુ આઇકાર્ડ બનાવેલ છે. આ બંને પાસેથી રૂ. ૧૦,000 નું નોટો છાપવાનું પ્રિન્ટર અને સ્કેનર તેમજ રૂ. ૧૫,000 નું લેપટોપ તથા બનાવટી રૂપીયા ૫૦૦ની ત્રણ નોટ, રૂપિયા 2 લાખની મારૂતિ કાર તથા મોબાઇલ ફોન, બનાવટી આઇકાર્ડ વિગેરે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાબતે ગાંધીનગરમાં સેકટર-૭ પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસર તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *