ભરૂચની નર્મદા નદીમાં નાવડીમાં લોકોની જોખમી સવારી, નાવડીમાં વાહનો અને પશુઓની પણ સવારી

ભરૂચ તાલુકાના ઝનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફ્ટી વિના જ માનવીઓ,વાહનો અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે.આ અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે હોડી સંચાલકે અમારી પાસે સેફટીના સાધનો હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાની યાદો હજુ ભુલાઈ નથી, ત્યાં તો ભરૂચના નર્મદા નદી કિનારેથી જોખમી હોડી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા નદી ઓળંગવા માટે મોટા ફેરાથી બચવા માટે લોકો શોર્ટકટ રીતે નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે.ઝનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડીઘાટથી ઝઘડીયા તરફ લાવવા-લઈ જવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. હોડીમાં માનવીઓ અને પશુઓ સાથે બાઇક અને મોપેડ પણ ચઢાવીને લઈ જવાય છે.નદીમાં હોડીના દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે. જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે,હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જ જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી. હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. નવાઇની વાત તો એ છે કે, જે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા હતા તેજ બોટમાં મોટરસાયકલ તેમજ પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.હોડી સંચાલક રૂપિયા કમાવવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે.
નદીમાં નાવડીમાં સવાર અનેક મુસાફરોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.જેમાં બોટમાં આવી રહેલા એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું. બિન્દાસ પણે બેરોકટોક ઓવરલોડમાં બોટ ચલાવવામાં આવી રહી છે.બોટની ફિટનેસને લઈને પણ આશંકાઓ ઉદભવી છે. જો આજ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં.પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી જણાય રહ્યું છે. કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ તંત્ર જાગશે.આ અંગે ઝનોર ગ્રામજનો અને તાલુકા પંચાયતના સભ્ય નીતા દિનેશભાઈ માછીએ ડીડીઓને આવેદનપત્ર આપી તપાસ કરવાની માંગ કરી હતી.
આ અંગે હોડીઘાટ ચલાવતા કમલેશ માછીએ જણાવ્યું હતું કે,બોટ મારફતે ટુ વ્હીલર વાહન સાથે મુસાફરોને લાવવા, લઈ જવા જોખમી મુસાફરી હોય તો સૌ પ્રથમ આ જગ્યા ઉપર માત્ર કિનારાના બંને ગામના લોકો જ અવર-જવર કરી રહ્યા છે.બોટમાં લાઈફ જેકેટ પણ છે. અહીંયા કોઈ ટુરીઝમ નથી.પરંતુ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ અમુક જ ગ્રામજનો સાથે મારા માટે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા.પરંતુ જ્યારે તેમના પતિ આ ઘાટ ચલાવતા હતા ત્યારે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા.
આ મામલે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઝનોર – ઓરપટાર ગામ વચ્ચે જોખમી રીતે બોટમાં માણસો અને તેમના દ્વિ-ચક્રિય વાહનોનું વહન કરાવવામાં આવતું હોવાની ફરિયાદ મળી છે. અમે આ મામલામાં સ્થળ તપાસ કરીશું. બોટ સંચાલકોને સેફ્ટી જેકેટ આપવામાં આવ્યાં છે. જો, તેમને મળ્યાં ન હોય તો અપાવીશું, અને આપ્યા હોવા છતાં તેનો ઉપયોગ ન કરાતો હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરીશું અને નદીના અન્ય ઘાટ પર પણ ચેકિંગ કરાવીશું.