મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વ્યસ્તતા વચ્ચે પણ અલાયદી કાર્યકર બેઠક યોજી

આજરોજ કચ્છ અને વાગડની અવિરત ધપતી વિકાસયાત્રામાં વધુ વેગ આણવા અને કચ્છના લોકોની લાગણી અને માંગણી મુજબ આવશ્યક એવા વિકાસકામોની ભેટ આપવા ખાસ કચ્છ પધારેલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ એક ચુસ્ત અને સમર્પિત સંગઠનકર્તા તરીકેનો પરિચય આપીને ખાસ કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક સંબોધન કર્યું હતું. કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન કરતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છ આ લોકસભામાં એક ઐતિહાસિક વિજયનું સાક્ષી બનશે એમાં કોઈ શંકા નથી. બુથ સશકિતકરણ અભિયાન હોય, ગાંવ ચલો અભિયાન હોય કે પછી સુદ્રઢ પેજ સમિતિઓ હોય સમગ્ર કચ્છ જીલ્લા ભાજપ પરિવારની અદભુત સંઘભાવના અને આયોજનબદ્ધ મહેનતના આધારે મોદીજીના 400 પ્લસના સંકલ્પમાં કચ્છ બેઠક પર ભવ્યાતિભવ્ય વિજય દ્વારા સહભાગિતા નોંધાવશે. જીલ્લાભરમાંથી ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના આગેવાનો અને કાર્યકરોની એક અગત્યની સંગઠનાત્મક બેઠકને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર રાષ્ટ્ર એકજૂટ બનીને મોદીજીની પ્રેરણા અને સંકલ્પ અનુસાર એક પરિવારની માફક સામૂહિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. દેશની આંતરિક સુધારણાથી માંડીને બાહ્ય સુરક્ષા જેવા કોઈ પણ ક્ષેત્રે ભારતે છેલ્લા 10 વર્ષોમાં ક્યારેય પાછું વળીને જોયું નથી. મંદિરો હોય કે મેડિકલ સંસાધનો હોય, રોડ રસ્તા જેવી માળખાકીય સવલતો હોય કે સ્વચ્છતાની મુહિમ હોય દેશવાસીઓ સાર્વત્રિક નવનિર્માણ નિહાળી રહ્યા છે. સ્વદેશી વ્યાપારની આસમાની તકો ઉભી કરવી કે પછી વિદેશી શક્તિઓની વચ્ચે આગવું અને મજબુત સ્થાન મેળવવું આ બધું શક્ય બની રહ્યું છે માત્ર અને માત્ર નરેન્દ્રભાઈના સમર્થ અને લોકાભિમુખ નેતૃત્વના પરિણામે જ. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવનારી લોકસભા ચુંટણીમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં મોદીજીને સર્વાધિક અને વિક્રમજનક વિજય પ્રાપ્ત કરાવવા માટે આપણે સૌએ કૃતનિશ્ચયી થઈને અથાક પરિશ્રમ કરવાનો હવે સમય આવી ગયો છે. આ અવસરે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કચ્છ જીલ્લા ભાજપનું સંગઠન હરહંમેશ અગ્રેસર રહ્યું છે. પ્રદેશ ભાજપના કોઈ પણ સુઝાવને કચ્છ ભાજપે સદાય શિરોમાન્ય રાખીને સંપુર્ણ ન્યાય આપ્યો છે ત્યારે આ લોકસભા ચુંટણીમાં કચ્છ ભાજપના હજારો કાર્યકરોના પુરુષાર્થ અને કચ્છીજનોના આશીર્વાદને સથવારે વિનોદભાઈ ચાવડા 5 લાખથી વધુ મતોની સરસાઈ મેળવીને સતત ત્રીજી વખત કચ્છના લોકોનો જનાધાર મેળવશે. પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે હું કચ્છની જનતાનો જીવનભર આભારી રહીશ કે જેઓ મને તેમના લોકસેવક તરીકે પુનઃ પુનઃ જવાબદારી સોંપતા રહે છે. કેન્દ્રિય અને પ્રાદેશિક નેતૃત્વએ મારા પર મુકેલા ભરોસાને સાર્થક કરીને વધુ એક વખત કચ્છી ભાઈ બહેનોની હર સંભવ સેવા કરવા માટે હું તત્પર છું. આજની બેઠકમાં સંચાલન જીલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોરે જ્યારે આભારવિધિ ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગાએ કરી હતી. સમગ્ર બેઠકની સફળતા માટે ભચાઉ તાલુકા ભાજપ મહામંત્રી ગંભીરસિંહ જાડેજા, ભચાઉ શહેર ભાજપ મંત્રી રવીન્દ્રભાઈ ગામી, ભચાઉ શહેર ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ સંજયભાઈ સુથાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે યુરો સ્કુલના ડાયરેક્ટરશ્રીઓએ સર્વે મંચસ્થોનું સ્વાગત કર્યું હતું. ઉકત બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી કશ્યપભાઇ શુક્લા, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, પુર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો વાસણભાઇ આહીર, પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, ધવલભાઈ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, લોકસભા સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, લોકસભા વિસ્તારક વૈભવભાઈ બોરીચા, જિલ્લા ભાજપના હોદેદારો, મંડલ પ્રભારીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગરપાલિકા હોદેદારશ્રીઓ, બોર્ડ-નિગમના પૂર્વ ચેરમેનશ્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.