મોડાસા: રહેણાંક વિસ્તારમાં તસ્કરો લૂંટ ચલાવી ફરાર : ૫ ઘરોમાં હાથફેરો

મોડાસામાં નાઇટ પેટ્રોલિંગ કરતી પોલિસના દાવા પર તસ્કરોએ સપાટો બોલાવી એક રાત્રિમાં પાંચ મકાનોના તાળા તોડી નાખતાં સનસનાટી મચી જવા પામી છે. મોડાસા શહેરમાં તસ્કરો ખાખી વર્દીને ચેલેન્જ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. મોડાસાના સહયોગ બાયપાસ ચોકડી પાસે આવેલી કોરલ સીટી, દેવલ સીટી અને ગોકુલધામ રેસિડેન્સીમાં આવેલા ૫ બંગ્લોઝમાં ઘરફોડ ગેંગ ત્રાટકી મકાનોના દરવાજા અને જાળી તોડી નાખી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને કરિયાણાના માલ સામાનની લૂંટ ચલાવી ફરાર થતા લૂંટની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા રાબેતા મુજબ લૂંટની ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી. મોડાસા શહેરના બાયપાસ રસ્તા પર આવેલી રહેણાંક સોસાયટી વિસ્તાર અને બંગ્લોઝ ઘરફોડિયા ગેંગમાં લૂંટની ઘટનાને અંજામ આપવા જાણીતી છે ઘરફોડ ગેંગ પરિવારો ઘર બંધ કરી જવાની રીતસરની રાહ જોઈ બેઠેલા તસ્કરો બંધ મકાનમાં ત્રાટકી કસબ અજમાવી ફરાર થઈ જવાની અનેક ઘટનાઓનો ભોગ આ સોસાયટીના રહીશો બન્યા છે. રવિવારના રાત્રીના અરસામાં કોરલસીટી, દેવલસીટી અને ગોકુલધામ સોસાયટીમાં આવેલા ૫ ઘરોમાં લૂંટારુઓ ત્રાટકી મકાનોના નકુચા તોડી, દરવાજા અને લોંખડની જાળી તોડી નાખી ઘરમાં રહેલા કબાટ, તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી રોકડ રકમ સહીત કરિયાણું પણ તસ્કરી જતા અને ઘરમાં રાચરચીલામાં તોડફોડ કરી માલ સામાન રફેદફે કરી લૂંટ ચલાવી ફરાર થતા આજુબાજુમાં રહેતા લોકોએ ઘરોના દરવાજા તૂટેલા જોતા ઘર મલિકને જાણ કરતા દોડી આવ્યા હતા અને ઘરમાં રહેલા કિંમતી માલ સામાન અને રોકડ રકમની તસ્કરી થયાની જાણ થતા લૂંટની ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ૫ ઘરોમાં પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી કાયદેસરની તપાસ કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. મોડાસા સહયોગ બાયપાસ ચોકડી અને મેઘરજ રસ્તા ચોકડી પર નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવની માંગ સાથે સતત થતી તસ્કરી લૂંટની ઘટનાના પગલે શહેરીજનોમાં ભય ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *