પઠાર ગામમાં વીજ લાઇનમાં ફોલ્ટથી ખેડૂતની ૧૨ એકરની કેળ- ૮૨ ગૂંઠા શેરડી બળીને રાખ
વાલિયા તાલુકાના પઠાર ગામના બાલુ પટેલના ગામમાં બ્લોક સર્વે નંબર ૫૧૯ વાળી ૧૨ એકરની જમીન છે. જેમાં ખેતરમાંથી વીજકંપનીની બે ઇલેક્ટ્રીક લાઈન એકબીજાને ક્રોસ કરતી પસાર થાય છે. જેમાં એલટી લાઇનના વાયર સાવ ઢીલા હોય નીચે લબડે છે અને તે પવન આવતાં કેળના પાન સાથે અડી એકબીજા સાથે પણ અડી જતાં અવારનવાર ફોલ્ટ થતા હતા. આ બાબતની જાણ ઘણી વખત ડીજીવિસીએલ વાલિયાને કરી હતી. પરંતુ વર્ષોથી ઢીલી નીતિના કારણે આ વાયરો પણ પ્રીમોન્સુન કામગીરી વર્ષો વર્ષ કરવા છતાં પણ તાર ઢીલા જ રહ્યા જેને કારણે લાઈનમાં ફોલ્ટ થતા તેના તણખા નીચે પડતાં પાક ઉપર આવેલ કેળ ભડકે બળી હતી અને તેની બાજુમાં આવેલ શેરડી વાળા ખેતરમાં આગ પ્રસરી જતા ૧૨ એકર જેટલી કેળ અને ૮૨ ગુંઠા શેરડી અને ડ્રિપ લાઈન બળી ગઈ હતી. આગને લીધે ૫ લાખથી વધુનું નુકશાન થયું હતું.આગના બનાવને લઈ તલાટીએ સ્થળ તપાસ કરી પંચકયાસ કરી પોલીસે એફએસએલની મદદ લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.