14 વર્ષ અગાઉ ઠગાઇ સહિતની કલમો તળે નોંધાયેલ ગુનામાં સામેલ તેમજ ડુપ્લિકેટ આધારો રજૂ કરી હોસ્પિટલમાં નિમણૂક પામનાર તબીબ પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 14 વર્ષ અગાઉ ઠગાઇ સહિતની કલમો તળે નોંધાયેલ ગુનામાં સામેલ આરોપી શખ્સને પાટણ પોલીસે સકંજામાં લઈ લીધો છે. જાણવા મળી રહ્યું છે કે, ભચાઉમાં સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા મૂળ ભાવનગરના શખ્સ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે વર્ષ 2010માં ગુનો નોંધાવવામાં આવેલ હતો. જે-તે વખતે ભણશાલી ટ્રસ્ટ હોસ્પિટલ તરફથી એમ.બી.બી.એસ. તબીબોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આ શખ્સે ડુપ્લિકેટ આધારો રજૂ કરી પોતે હોસ્પિટલમાં નિમણૂક પામ્યો હતો, પરંતુ સંસ્થા દ્વારા આ શખ્સનાં આધાર-પુરાવા તેમજ પ્રમાણપત્રોનું વેરિફિકેશન કરાવવામાં આવતા તમામ હકીકત સામે આવી હતી. બાદમાં, પાટણ એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હાલમાં આ શખ્સ ભચાઉમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને દબોચી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે,પકડાયેલ આરોપી શખ્સને રાધનપુર પોલીસના હવાલે કરાતા તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.